Western Times News

Gujarati News

દાહોદના સાગડાપાડામાં યુવતીના ભાઈ અને પિતાએ પુત્રીની નજર સામે જ પ્રેમીને પતાવી દીધો

પ્રતિકાત્મક

દાહોદ, ફતેપુરા તાલુકાના મારગાળા ગામના ૨૨ વર્ષીય પ્રેમીને સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ આ જ યુવતીના પિતા તથા ભાઇએ યુવાન તથા તેની સાથે આવેલા તેના મિત્રને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા યુવાનનું દાહોદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા યુવતીના પિતા તથા તેના ભાઈ સામે સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાણવા મળેલી વિગતો મુજબ, ફતેપુરા તાલુકાના મારગાળા ગામના બારીયા ફળિયામાં રહેતા સમસુ કિકલાભાઈ બારીયાના પુત્ર સંજય બારીયાને સાગડાપાડાના ઉભાપાણ ફળિયામાં રહેતા દિનેશ ફુલજીભાઈ ચરપોટની પુત્રી શિવાની સાથે પ્રેમ સંબંધ હતો.

જેથી શિવાનીએ સંજય બારીયાને મોબાઈલથી મેસેજ કરી મળવા માટે બોલાવ્યો હતો. જેથી સંજય ગતરોજ સાંજના ૬ વાગ્યાના અરસામાં તેના કુટુંબી ભાઈ મેહુલને સાથે લઈ સાગડાપાડા ગામે ગયો હતો અને શિવાનીના ઘરથી થોડે દૂર શિવાની તથા સંજય થોડીવાર વાતચીત કર્યા બાદ સંજય તથા મેહુલ શિવાનીને મુકવા ઘરે જતા હતા.

સાગડાપાડા ગામે પુલ પાસે શિવાનીના પિતા દિનેશ ફુલજીભાઈ ચરપોટ તથા શિવાનીનો ભાઈ શિવરાજ દિનેશ ચરપોટ લાકડીઓ લઈ ઉભેલા હતા. તેવા સમયે સંજય, મેહુલ તથા શિવાની મોટરસાઇકલ ઉપર આવતાજ દિનેશ ફુલજી ચરપોટે સંજયના માથામાં લાકડીનો ફટકો મારતા સંજય, મેહુલ તથા શિવાની મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયા હતા.

ત્યારબાદ દિનેશ ચરપોટ તથા શિવરાજ ચરપોટે સંજય તથા મેહુલને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.

ત્યારબાદ આ બંને ઈજાગ્રસ્તોને ઝાલોદ ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના તબીબે સારવાર કરવાની ના પાડતા દાહોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત સંજય રમસુભાઇ બારીયા (ઉંમર ૨૨)નું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.

ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતક સંજયના પિતા રમસુભાઈ કિકલા ભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાગડાપાડા ઉભા પણ ફળિયાના રહેવાસી દિનેશભાઈ ફુલજીભાઇ ચરપોટ તથા શિવરાજ દિનેશભાઈ ચરપોટની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.