દાહોદની ITIમાં ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે
દાહોદ:દાહોદમાં ઝાલોદ રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આગામી તા. ૧૮-૧૧-૧૯ના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તેમાં ભાગ લઇ શકે છે.
ઔદ્યોગિક ક્ષેત્રનો ઝડપી વિકાસ થઇ રહ્યો હોવાથી પ્રવર્તમાન સમયે ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વ્યાપક તકો રહેલી છે. આવા એકમોમાં કુશળ અને બિનકુશળ ઉમેદવારોની મોટા પાયા ઉપર ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે, રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને એક સ્થળે પ્લેટફોર્મ મળી રહે તે માટે દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવે છે.
આવો એક ભરતી મેળો ઉક્ત સ્થળ અને સમયે યોજાવાનો છે. તેમાં નોકરીદાતાઓ ઉપસ્થિત રહી ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવાના છે. જ્યારે, શિબિરમાં સ્વરોજગાર માટે લોન, સહાય અને તાલીમ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ભરતી મેળામાં ધોરણ ૧૦, ૧૨, સ્નાતક કે તેથી વધુ, આઇટીઆઇના તમામ ટ્રેડમાં અભ્યાસ કર્યો હોય એવા ૧૮થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગારવાંચ્છુ યુવાનોને તમામ અસલ પ્રમાણપત્રો, સંપૂર્ણ બાયોડાટા સાથે ઉપસ્થિત રહેવા અખબારી યાદીમાં જણાવાયું છે.