દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ. ૯૪૬.૮૬ કરોડના ૨૫ પ્રોજેક્ટ
સ્માર્ટ સિટીમાં થઇ રહેલી કામગીરીનો સમીક્ષાત્મક અહેવાર જાહેર કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી
પાણી, ગટર, કચરા નિકાલ સહિતના રૂ. ૫૩૯.૯૦ કરોડના ૧૦ પ્રોજેક્ટ પ્રગતિમાં, રૂ. ૧૨૪ કરોડના ૬ પ્રોજેક્ટના ટેન્ડરિંગ
નાગરિકો તરફથી મળેલા રચનાત્મક સૂચનોનો પ્રોજેક્ટમાં સમાવેશ કરાશે, ૪૩ નાગરિકોના ઢગલાબંધ સૂચનો મળ્યા
આલેખન – દર્શન ત્રિવેદી
દાહોદને આદર્શ નગર બનાવી લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સ્માર્ટ સિટી યોજનામાં લેવામાં આવેલા કામોમાં થયેલી પ્રગતિની વિગતો કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા જાહેર કરવામાં આવી છે. સ્માર્ટ સિટીમાં લોકોને ફાયદો થાય એ માટે કેવા પ્રકારના પ્રોજેક્ટ લઇ શકાય ? એ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. જેમાં મળેલા રચનાત્મક સૂચનો ઉપર વિચારણા હાથ ધરવામાં આવી છે.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી યોજના અંતર્ગત દાહોદમાં કુલ ૨૫ પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યા છે. જે પૈકી રૂ. ૫૩૯.૯. કરોડના કામોના ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેની સમીક્ષા કરીએ તો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-ઇન્ફોરમેશન ટેક્નોલોજીના નિર્માણનું કામ તા. ૨૯-૧૨-૨૦૨૦ના રોજ પૂર્ણ થાય એ રીતે રૂ. ૧૨૮ કરોડના ખર્ચથી હાથ ધરવામાં આવ્યું છે. ૯૨ ટકા પૂરૂ થઇ ગયું છે. જ્યારે, તેની રૂ. ૨૩.૦૪ કરોડના ખર્ચથી બિલ્ડિંગ બનાવવાની કામગીરી ૪૮ ટકા પૂરી થવા પામી છે. જે તારીખ ફેબ્રુઆરી-૨૧માં પૂરી થાય એમ છે.
વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર સિસ્ટમનો રૂ. ૧૦૫.૫૮ કરોડનો પ્રોજેક્ટ હાલની સ્થિતિએ ૪૩ ટકા પૂર્ણ થઇ ગયો છે. જે આગામી જુન-૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઇ જાય એવી શક્યતા છે. જ્યારે, અન્ડર ગ્રાઉન્ડ ગટરની વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ. ૩૪.૬૩ કરોડનું કામ બાવન ટકા પૂરૂ થઇ ગયું છે. પાણી પુરવઠાનો રૂ. ૯૯.૩૩ કરોડનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ૩૬ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જાય એવી ધારણા છે.
તેમણે કહ્યું કે, દાહોદ નગરના ૧૩૫ જેટલી સરકારી અને અર્ધસરકારી ઇમારતોને આવરી લઇ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો રૂ. ૮.૯૦ કરોડનો પ્રોજેક્ટ ૪૭ ટકા પૂર્ણ થઇ ગયો છે. આ ઉપરાંત, ઐતિહાસિક છાબ તળાવના વિકાસનું કામ ચાલું કરી દેવામાં આવ્યું છે. રૂ. ૧૧૦.૫૯ કરોડના આ પ્રોજેક્ટનો એપ્રિલ – ૨૦૨૨માં પૂર્ણ થશે. પૂંસરી ખાતે વેસ્ટ મેનેજમેન્ટ લેન્ડ ફરતે રૂ. ૪.૩૩ કરોડના ખર્ચથી બનાવવામાં આવી રહેલી દિવાલનું કામ ૫૦ ટકા પૂર્ણ થઇ ગયું છે. નગરને ડસ્ટ બિન ફ્રિ બનાવવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનો રૂ. ૧૯.૪૬ કરોડનો પ્રોજેક્ટ આગામી જુન સુધીમાં પૂર્ણ થશે. જ્યારે, નગરમાં વિવિધ સ્થળે લગાવવામાં આવી રહેલા ટ્રાફિક સાઇનેઝની કામગીરી રૂ. ૬.૦૬ કરોડની છે અને એમાં ૧૩ ટકા કામગીરી થઇ છે. તે આગામી ઓગસ્ટ-૨૧માં પૂર્ણ થઇ જશે.
ટેન્ડરિંગ પ્રક્રીયા ચાલી રહી હોય એવા પ્રોજેક્ટ જોઇએ તો રૂ. ૨૯.૨૮ કરોડનો ટ્રક ટર્મિનલ એન્ડ એનિમલ શેલ્ટર, રૂ. ૩.૧૦ કરોડનો ગાર્ડન ડેવલપમેન્ટ, ૨૭.૦૯ કરોડના ઘન કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ, રૂ. ૫૫.૫૩ કરોડનું સ્પોર્ટ્સ સંકુલ, ૭.૭ કરોડનો પાણીનું સ્વયં સંચાલિત વિતરણ અને શુદ્ધિકરણનો પ્રોજેક્ટ, વેસ્ટ મેનેજમેન્ટ માટે વાહનોની ખરીદી માટે રૂ. ૧.૭૬ કરોડની કામગીરી ટેન્ડરિંગ હેઠળ છે. આ તમામ ૬ પ્રોજેક્ટની કુલ રૂ. ૧૨૪.૪૬ કરોડ થવા જાય છે.
તદ્દઉપરાંત, સ્માર્ટ સિટીના કુલ રૂ. ૨૮૨.૫ કરોડની કિંમતના ૯ પ્રોજેક્ટ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) અને રિક્વેસ્ટ પ્રપોજલ કક્ષાએ છે. જેમાં રૂ. ૧૮.૪૧ કરોડ સિટી બસ, રૂ. ૧૪.૭૧ કરોડ આદિવાસી સંગ્રહાલય, રૂ. ૬૧ કરોડ સ્માર્ટ રોડ, રૂ. ૭.૧૭ કરોડ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, રૂ. ૪.૨૧ કરોડ ઇ-ગવર્નન્સ, રૂ. ૨૨ કરોડ નગરપાલિકાના નવા બિલ્ડિંગ, રૂ. ૧૦૦ કરોડ આવાસ યોજના, રૂ. ૪૦ કરોડ પાણી પુરવઠાના બીજા ફેઝ, રૂ. ૧૫ કરોડ દૂધીમતી નદી રિવરફ્રન્ટનો સમાવેશ થાય છે.
જ્યારે, અર્બન હેલ્થ સેન્ટર, સરકારી શાળા અને આંગણવાડી, પાર્કિંગ સુવિધામાં વધારો, સ્મશાનગૃહના નિર્માણ અને નવીનીકરણ માટે પણ સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે.
આમ, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા રૂ. ૯૪૬.૮૬ કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામમાં લોકોની ભાગીદારી વધે એ માટે કલેક્ટરશ્રી દ્વારા તાજેતરમાં નાગરિકો પાસેની સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ૪૩ નાગરિકોના સૂચનો મળ્યા છે. જે પૈકી મોટા ભાગના સૂચનો હાલમાં આયોજન તળેના કામોમાં સમાવિષ્ટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કોઇ નાગરિકે છાબ તળાવ ફરતે રિંગ રોડ બનાવવા, કોઇએ સિટી બસ, અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ, સ્નાનઘર, સિટી બસ, દબાણો હટાવવા, સાયન્સ કોમ્યુનિટી સેન્ટર, ગેન્ટ્રી, આર્ચરી તાલીમ કેન્દ્ર, સ્મારક, ગઢીના કિલ્લાના સમારકામ સહિતની બાબતો અંગે સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, મલ્ટી સ્ટોરિડ પાર્કિંગ, સ્માર્ટ લાયબ્રેરી, વીજ કેબલના અન્ડર ગ્રાઉન્ડ કરવા જેવી બાબતો વિચારણા હેઠળ લેવામાં આવશે.