દાહોદમાં આઠ રોજગાર મેળા થકી ૧૮૭૯ કુશળ યુવાનોને મળી રોજગારીની તકો

દાહોદ:મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં રોજગારી પણ એક અગત્યનું પરીમાણ છે. ત્યારે રોજગારી ક્ષેત્રે જિલ્લા રોજગાર કચેરી દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહીનામાં યોજવામાં આવેલા ભરતી મેળામાં ૧૨૦૦ યુવાનોને રોજગારી સાથે આ વર્ષે કુલ ૧૮૭૯ જેટલા યુવાનોને રોજગાર ભરતી મેળા થકી રોજગારની તક મળી છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળવવા માંગતા અને રોજગાર આપનાર વચ્ચેના પ્રત્યાયનના અવકાશને ભરવાની મહત્વની કામગીરી કરવામાં આવે છે અને રોજગારવાંચ્છુ, નોકરીદાતા વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરવામાં આવી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવેલા ભરતી મેળામાં ૧૨૦૦ યુવાનોને રોજગારની તક સાંપડી હતી. તેમાંથી કેટલાંક યુવાનો પોતાને મળેલી રોજગારીની વાત સહર્ષ જણાવે છે.
આઇટીઆઇમાંથી મશીન ઓપરેટર તરીકેનો કોર્સ કરનાર ચેતનભાઇ પારગી સારી કંપનીમાં કામ, અનુભવ અને પગાર મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના કુંટુંબને પણ તેમના અભ્યાસ બાદ તેમની પાસેથી ઊંચી અપેક્ષાઓ હતી. રોજગાર ભરતી મેળાની જાણ થતા તેઓએ પોતાની નોંધણી કરાવી હતી. ભરતી મેળામાં જમનાદાસ કંપનીમાં ૧૦ હજારના પગારથી નોકરી મળતાં તેઓ ખૂબ ખૂશ છે અને ભરતી મેળાના આયોજન બદલ રાજય સરકારનો આભાર માને છે.
આઇટીઆઇમાંથી કોમ્પ્યુટર ઓપરેટર માટેનો કોપાનો કોર્સ કર્યા બાદ ટીનાબેન ડાંગી નોકરીની શોધમાં હતા. તેમણે રોજગાર ભરતી મેળામાં પોતાના મિત્રના સૂચનથી ભાગ લીધો અને એમજી મોર્ટસમાં તેમને ૧૨ હજારના પગારથી ટ્રેઇની તરીકેની નોકરી મળી છે. કોર્સ કર્યા બાદ સારા પગારની નોકરી મળવાથી કુંટુંબમાં પણ તેઓ સહાયરૂપ બની રહ્યા છે. પોતાને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા બદલ તેઓ રાજય સરકારને ખૂબ ધન્યવાદ પાઠવે છે.
એ જ રીતે આઇટીઆઇમાંથી ઇલેકટ્રીશ્યનનો કોર્સ કરી રોજગાર ભરતી મેળામાં એમજી મોટર્સમાં ટ્રેઇની તરીકે પસંદ થનાર સાવિત્રીબેન રાઠોડ પણ આનંદની લાગણી અનુભવે છે. કારણ કે, તેમણે મહિલાઓ ભાગ્યે જ પસંદ કરતી હોય તેવા કોર્સની પસંદગી કરી હતી. પરંતુ, તેમને આત્મવિશ્વાસ હતો કે તેઓ આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકશે અને રોજગાર ભરતી મેળામાં ૧૨ હજારના પગાર સાથે તેમની પસંદગી થઇ હતી. હાલમાં તેઓ પોતાની નોકરીથી કુટુંબમાં પણ આર્થિક ટેકો કરી રહ્યા છે અને સમાજમાં પણ તેમનું ખૂબ સન્માન વધ્યું છે.
દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૧૮ માં પણ ૨૨ જેટલા રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા હતા. જેમાં ૨૧૮૬ યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત રોજગાર કચેરી દ્વારા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું પણ વખતોવખત આયોજન કરવામાં આવે છે. સ્વતંત્ર ધંધો કે વ્યવસાય કરવા માંગતા યુવાનોને પણ લોન સહાય અંગેની માહિતી-માર્ગદર્શન આપવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી, દાહોદ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લામાં યુવાનધનને સ્વનિર્ભર બનાવી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હર ખેત કો પાની, હર હાથ કો કામનું સૂત્ર સારી રીતે અમલમાં આવે તે માટે ચોક્કસ દિશાનિર્દેશો આપ્યો છે. તેમાં મહત્વનું પરિબળ બન્યા છે આઇટીઆઇ અને કૌશલ્યવર્ધન કેન્દ્રો. અહીં ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં જોડાઇ યુવાન કુશળ બની શકે છે. આવા કુશળ યુવાનો માટે દાહોદ સહિત ગુજરાતમાં રોજગારીની અનેક પ્રકારની તકો, નવી ક્ષિતિજો ખુલી છે.