દાહોદમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૪૦ થી પણ વધુ સ્થળોએ ઉકાળા વિતરણ કરાયું

કોરોના સંક્રમણ સામે રક્ષાકવચ તરીકે કામ કરે છે અમૃતપેય ઉકાળા- કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મોટા પાયે કરાઇ રહ્યું છે ઉકાળા વિતરણ
દાહોદ:દાહોદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો છે ત્યારે જિલ્લા તંત્રના વિવિધ વિભાગો દ્વારા કોરોના સામેની કામગીરી વધુ સઘન કરી દેવામાં આવી છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ વિસ્તારોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા પણ છેલ્લા દસ દિવસમાં કન્ટેનમેન્ટ વિસ્તાર સહિત જિલ્લાના ૧૪૦ થી પણ વધુ સ્થળોએ ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. જેનો ૬૮૮૪૩ નાગરિકોએ લાભ લીધો છે.
જિલ્લાના દરેક દરેક તાલુકા સહિત કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ઉકાળા વિતરણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. જેમાં દાહોદના કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત ડબગરવાડ, ઘાંચીવાડ ઉપરાંત વિવિધ વિસ્તારો જેવા કે કસ્બા, દાહોદ અર્બન હેલ્થ સેન્ટર, દાહોદ નગરપાલિકા, દેવગઢ બારીયા નગરપાલિકા, ભોઇવાડા, અગાસવાણી ગામ સહિત જિલ્લાના ૧૪૦ થી પણ વધુ વિસ્તારોમાં ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ વિસ્તારોને ઉકાળા વિતરણ માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
દશમુલ ક્વાથ, ગુડુચ્યાદિ ક્વાથ, પથ્યાદી ક્વાથ સમભાગે લઇ અને ત્રીકટુ ચૂર્ણ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવતા આ અમુતપેય ઉકાળાથી રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે અને કોરોના સંક્રમણ સામે રક્ષાકવચનું કામ કરે છે.