દાહોદમાં ટીકા ઉત્સવમાં બે હજારથી પણ વધુને રસી મૂકાઇ
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૨૧ સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ મનાવવા કરેલી હાંકલને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ૧૨૧ સ્થળો ઉપર આજે રવિવારે પણ કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત કરવા રસીકરણ શરૂ રાખવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપેલા સંદેશા ઇચ વન – વેક્સીનેટ વન, ઇચ વન – ટ્રીટ વન, ઇચ વન – સેવ વન થકી રસીકરણને વધુ વ્યાપક બનાવવા અપીલ કરી, તેનો પડઘો દાહોદમાં સારી રીતે ઝીલાયો હતો.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૨૧ સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૪૫ વર્ષથી ઉપરના ૨૦૦૦થી પણ વધુ લોકોને કોરોના સામેની રસી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિઓનો પણ સારો સહયોગ મળ્યો હતો.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૩૬૨૬૨ વ્યક્તિને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. તેમાંથી ૬૩૭૯૫ વ્યક્તિ ૪૫ વર્ષથી ઉપરનાનો સમાવેશ થાય છે. જ્યારે ૪૬૫૧૬ વ્યક્તિને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.