દાહોદમાં પરિણીતાએ ૨ સંતાનો સાથે કુવામાં કુદી મોતને વ્હાલું કર્યું

દાહોદ: દાહોદમાં એક મહિલાએ બે બાળકો સાથે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકો સાથે કુવામાં ઝંપલાવતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ૧૦૮ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે, આ મામલે પોલીસે સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ દાહોદમાં પરિણીતાએ પિયરમાં આવી ૨ સંતાનો સાથે કુવામાં કુદી મોતને વ્હાલુ કર્યું છે. દાહોદના લીમખેડાના બાર ગામે પરણીતાએ તેના બે સંતાનો સાથે કુવામાં ઝંપ્લાવ્યું હતું. આ ઘટનામાં મહિલા તેમજ ૬ વર્ષનો બાળક અને ૨.૫ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જાે કે, આ ઘટના બાદ આસપાસના સ્થાનિકો સ્થળ પર એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતા ૧૦૮ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
૧૦૮ અને પોલીસ દ્વારા મહિલા તેમજ બંને બાળકોના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ૧૦૮ દ્વારા આ ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે ધાનપુરના ઘોડાઝર ગામની પરણીતાએ સાસરીયાના ત્રાસથી બે બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે મૃતક પરણીતાના સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.