Western Times News

Gujarati News

દાહોદમાં બસ અને બાઇક ધડાકાભેર અથડાતાં એક જ ગામનાં ત્રણ મિત્રોનાં મોત

Files photo

દાહોદ: જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર ગામના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યાં મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામમાં ત્રણ યુવાનોની એકસાથે અર્થી ઉઠતા પરિવાર અને ગામ લોકોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલ ધાનપુર પોલીસે અક્સમાત સંબધી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરીને એસ.ટી બસનાં ફરાર ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના યુવાનો મુકેશભાઈ દશરથભાઈ પલાસ, વિપુલભાઈ મનુભાઈ બારીઆ અને પ્રવિણભાઇ છગનભાઇ પલાસ મોટરસાયકલ હીરો ડિલક્સ નં.જીજે ૨૦એએલ ૨૪૩૮ લઈને સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પિપેરોથી પોતાના ગામ આબલી મેનપુર જઈ રહ્યા હતા. ગામમાં પહોચતા દાહોદથી ધાનપુર તરફ આવતી બસ નં જીજે ૧૮ ઝેડ ૧૩૨૧ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બંને વાહનો સામસામે ભટકાતા ત્રણ યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી.

જેમાં મોટરસાયકલ પર સવાર મુકેશભાઈનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ. મોટરસાયકલ પર સવાર બીજા બે યુવાનને ગંભીર ઇજા પહોંચતા ગોધરા સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં વિપુલભાઈ મનુભાઈ બારીઆનું મોત નિપજ્યું હતું. જયારે પ્રવિણભાઇ છગનભાઇ પલાસનું ગોધરા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોડીરાત્રે ગામના ત્રણ યુવાનના મોતના સમાચાર મળતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આજરોજ આબલીમેનપુર ગામના ત્રણ યુવાનોની અર્થીઓ એક સાથે ઉઠતા પરિવારમાં હૈયાફાટ રુદન અને સમગ્ર ગામમાં શોકગ્રસ્ત બન્યું હતું.મળતી માહિતી પ્રમાણે, એસ.ટી.બસનો ચાલક અકસ્માત સર્જી બસ સ્થળ પર જ મૂકી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.આ સંબંધે આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં રેશમબેન દશરથભાઈ પલાસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી એસ.ટી. બસના ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.