દાહોદમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી
આ ઉજવણીના આઠમાં દિવસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી
દાહોદ,બુધવાર :દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના આઠમાં દિવસે ‘મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’ની ઉજવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન તેમજ ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ઉપરાંત ‘સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધા’ તથા શૌચાલય બાંઘકામની કામગીરીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહીલાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી મહિલા સરપંચશ્રીઓ, મહિલા સ્વચ્છાગ્રાહીઓ, મહિલા આગેવાનો ઉપસ્થિત હતા. હાજર મહિલાઓને ૧૮૧ અભયમ મોબાઇલ એપ્લીકેશન સેવા ઘ્વારા મહિલાઓને કઇ કઇ બાબતોમાં મદદ મળી રહે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ઉપરાંત સીની સંસ્થાનાં પ્રતિનિધી ઉપસ્થિત રહયા હતા. તેમના ઘ્વારા શૌચાલયનો ખરેખર ઉપયોગ, જાળવણી, નિભાવણી બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે ઉપસ્થિત મહિલાઓને આ બાબતે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.બી.બલાત, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.