Western Times News

Gujarati News

દાહોદમાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિ બંધ રાખવા માટે કલેક્ટરનો આદેશ 

સેનિટાઇટેઝશન કરવા અને કોરોના ચેઇન તોડવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય

તહેવારો વીતી ગયા બાદ છેલ્લા તબક્કામાં દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી આદેશ ન થાય ત્યા સુધી પ્રતિ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને નિયંત્રિત કરવા માટે ઉપચારાત્મક પગલાં લેવા અનિવાર્ય જણાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરશ્રી દ્વારા દિવાળીના પર્વને ધ્યાને રાખીને ગત્ત દશેરાથી રવિવારના દિવસે વાણિજ્યક પ્રવૃ્તિને છૂટછાટ આપી હતી. પણ, હવે કોરોના વાયરસના કેસો વધતા આ છૂટ પરત લેવામાં આવી છે.

આ આદેશના પગલે હવે રવિવારના દિવસે સમગ્ર દાહોદ જિલ્લામાં વેપારીઓને પોતાના વેપાર ધંધા બંધ રાખવાના રહેશે. આવશ્યક ચિજ વસ્તુઓ જેવી કે દૂધ અને દવાના વિક્રેતાઓ માત્ર જેતે વસ્તુઓના વેચાણ માટે દૂકાન ખુલ્લી રાખી શકશે. પણ, આ વેપારીઓને પોતાની દૂકાને ભીડ ના થાય તેની તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત, સેનિટાઇઝેશન અને માસ્કના નિયમોનું પણ પાલન ચુસ્તપણે કરવું અને પોતાના ગ્રાહકો પાસે કરાવવાનું રહેશે.

રવિવારના દિવસે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા અસરકારક રીતે સેનિટાઇઝેશન થઇ શકે અને કોરોનાની ચેઇન તૂટી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.