દાહોદ : કિશોરીનાં પેટમાંથી ૨૦.૩૮ કિલોની ગાંઠ નીકળી
દાહોદ: દાહોદ અર્બન હેલ્થ સેન્ટરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાના નાઢ ગામની ૧૪ વર્ષીય કિશોરીને છેલ્લા એક વર્ષથી પેટમાં ગાંઠને કારણે દુખાવો થતો હતો. જેથી પરિવારે મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાનાં અનેક નિષ્ણાતોને પણ બતાવ્યું હતું પરંતુ કોઇ પરિણામ મળતું ન હતું. અંતે પરિવારે દાહોદ અર્બન હૉસ્પિટલમાં નિદાન કરાવતા અહીં ડૉક્ટરોની ટીમે ૨૦.૩૮ કિ.ગ્રાની ગાંઠ કિશોરીનાં પેટમાંથી કાઢી હતી.
રંજીલાબેન નાજુભાઈ મછાર છેલ્લા એક વર્ષથી પેટમાં વધતી જતી ગાંઠથી પીડાતી હતી. દાહોદના અર્બન હોસ્પીટલમાં મધ્ય પ્રદેશની સગીરાના પેટમાં ૨૦.૩૮ કિલોની ગાંઠ કાઢીને તબીબોએ તેને નવજીવન બક્ષ્યુ છે. મધ્યપ્રદેશ તથા દાહોદના અલગ અલગ નિષ્ણાતોને બતાવતાં પણ કિશોરીની તકલીફનું કોઈ નિવારણ આવી શક્યું ન હતું. અંતે દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે ડો. વિશાલ પરમારને બતાવતા નિદાન બાદ પરિવારને રાહત થઇ હતી. આ કિશોરી આમ તો માંડ ૨૫ કિલોની જ હતી.
પરંતુ તેના પેટમાં ગાંઢની સાથે તેનું વજન ૪૬ કિલો જેવુ થઇ ગયું હતું. અર્બન હોસ્પિટલ ખાતે આ તરૂણીનું સફળ ઓપરેશન કરીને ૨૦.૩૮૦ કિગ્રા. વજન ધરાવતી ગાંઠ તેના પેટમાંથી કાઢવામાં આવી હતી. અર્બન હોસ્પિટલના ડૉ.વિશાલ પરમારનાં જણાવ્યા પ્રમાણે, આ ગાંઠને ઓવેરિયન સિસ્ટ તરીકે ઓળખાય છે. માત્ર ૧૪ વર્ષની આ તરુણીના પેટમાં ગર્ભાશયની બાજુમાં છેલ્લા એક વર્ષથી ૨૦.૩૮૦ કિગ્રાની આ ગાંઠ, અંડાશયની ગાંઠ એટલે કે ઓવેરિયન સિસ્ટ તરીકે ઓળખાય છે. અત્યંત જોખમ સાથે કરેલ ઓપરેશન બાદ હવે તરૂણીની હાલતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે તેનો આનંદ છે.