દાહોદ જિલ્લાના કરોડીયામાં રાત્રે ખુલ્લામાં જુગાર રમતાં ૫ ઝડપાયા
દાહોદ: ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામેથી એક ઘરની પાછળ ખુલ્લામાં લાઇટ નીચે બેસી જુગાર રમતા પાંચ ખેલિઓ ઝડપાયા હતા. ઝડપાયેલા ખેલિઓ પાસેથી રોકડા અને પાંચ મોબાઇલ મળી કુલ ૨૨,૩૯૦ રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી.બરંડા તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કરોડીયા પૂર્વ ગામના નરસિંહ ડીંડોરના ઘરની પાછળ ખુલ્લામાં લાઇટ નીચે કેટલાક લોકો પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં કેટલાક લોકો ટોળુ વળી સામ સામે બેસી પૈસા પત્તા વડે હાર જીતનો જુગાર રમતા જાેવા મળતાં હતા. પોલીસે જુગાર રમતા કરોડીયા પૂર્વના પાંચને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ખેલિઓ નરસિંહ ડીંડોર, પ્રકાશ તાવિયાડ, જગદિશ ડીંડોર, દશરથ ડીંડોર તથા ભમરસિંહ ડીંડોરની અંગઝડતી લેતાં તેઓ પાસેથી ૧૫,૩૯૦ રૂા. રોકડા, પાંચ મોબાઇલ કિંમત રૂ.૭૦૦૦ મળી કુલ ૨૨,૩૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાંચેની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.