દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં એક જ રાતમાં 5 બંધ મકાનના તાળા તુટ્યા
સાથે એક ફોર વ્હીલર ની ઉઠાંતરી થતાં નગરજનોમાં ફફડાટ
બંધ પાંચ મકાનના તાળા તોડી તસ્કરો એક ફોર વ્હીલર ગાડીની ઉઠાંતરી કરી
સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને તસ્કરો બિન્દાસ પણે ચોરી કરી ફરાર.
દે.બારીઆ: દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં એક રાતમાં બંધ પાંચ મકાનોના તાળા તોડી તસ્કરોએ હાથફેરો કરી એક ફોર વ્હીલર ગાડીની ઉઠાંતરી થતા નગરજનોમાં ફફડાટ. પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા નગરમાં તારીખ ૧૩.૧૨.૧૯ના રોજ રાત્રિના ધાનપુર રોડ ઉપર રહેતા કુત્બુદ્દીન અબ્દેઅલી ઢીલાવાળાની ફોર વ્હીલર ઇક્કો ગાડી નં જી.જે-૨૦-એન-૩૬૩૭ જે વહેલી સવારના સાડા ચાર વાગ્યાના અરસામાં ઘરની સામે પાર્ક કરેલી ગાડીનો દરવાજો ખોલી ગાડી ચાલુ કરી લઈને જતા રહ્યા હતા. અને સવારે ઉઠી ગાડી જોતા કુતબુદીન ઢીલાવાળાને ગાડી ચોરાઈ ગઈ હોવાનું જણાતા તેમના ઘરના સી.સી.ટીવી કેમેરામાં જોતા બે ઈસમો ગાડીનો દરવાજો ખોલી ગાડી ચાલુ કરીને લઇ જતા દૃશ્યમાન થયા હતા.
જે પછી નગરના સમડી સર્કલ પાસે આવેલ સુભગ કૉમ્પ્લેક્સમાં દેવીલાલ મગનલાલ દરજી ,ઈશ્વરલાલ લખારા તેમજ ટાવર શેરીમાં રહેતા હીમેષભાઈ બક્ષી (બુલબુલ)ના બંધ મકાન તેમજ સ્વામિનારાયણ મંદિર સામે રહેતા વિનોદભાઈ શાહ વેલ્ડીંગવાળા તેમજ કુંજબિહારી સોસાયટી સામે મદનભાઈ વાસણવાળાના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ તસ્કરોએ જે મકાનના તાળાં તોડી ચોરી કરી તેમાંથી ત્રણ જગ્યાએ cctv કેમેરામાં કેદ થયેલા દેખાય છે. જે ઘરના તાળા તુટ્યા તે જગ્યાએ ઈક્કો ગાડી દેખાઈ આવે છે.
ત્યારે ધાનપુર રોડ ઉપરથી ઇકકો ગાડીની ચોરી કરી હતી તે જ ગાડીનો આ તસ્કરોએ ઉપયોગ કર્યો છે કે પછી અન્ય ઈકો ગાડી છે તેવા પણ અનેક સવાલ ઉઠાવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરામાં જોતા વહેલી સવારના સાડા ચાર વાગ્યા પછી આ બંધ મકાનના તાળા તુટ્યા હોવાનું દેખાઈ આવે છે. તો શું વહેલી સવારે પોલીસ ઉઘતી રહી અને તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું લાગી રહ્યું છે.
ત્યારે અગાઉ એક સપ્તાહ પહેલા નગરમાં ચાર લબમૂછરીયાઓને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરતાં ઝડપી પાડયા હતા. અને તે જગ્યાએ ચોરી કરી હતી કે તેઓની સાથે આ ચાર લબમૂછરીયા એ સમાધાન કરી લઇ ચોરી કરેલ રોકડ અને સમાન પરત કરતાં પોલીસે તેમને છોડી મૂક્યાં હતાં. ત્યારે આ ચોરીના બનાવથી અનેક શંકા-કુશંકા ઉદ્ભવી છે. જ્યારે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે અને કેટલા સમયમાં આ ચોરોને પકડી પાડશે તે જોવાનું રહ્યું ?
ત્યારે અગાઉ એક માસ પહેલા પણ એક હરીઓમ નગરમાંથી બાઈક ચોરાઈ હતી જે બાઇક ચોરતા ચોર પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે પણ હજુ સુધી પકડાયા નથી. ત્યારે આ ઈકકો ગાડી સહિત પાંચ જેટલા બંધ મકાનના તાળા તોડી ચોરી થતા નગરજનોમાં ફફડાટ જવા પામેલ છે ત્યારે આ સમાચાર લખાય ત્યાં સુધી પોલીસ ચોપડે એક પણ ફરિયાદ નોંધાઈ નથી.