દેગાવાડા ગામે પાણી વગરના કૂવામાં દીપડો પડતા રેસક્યુ હાથ ધરાયું
દે.બારીયા :- દાહોદ જિલ્લાના દે.બારીયા તાલુકાના દેગાવાડા ગામે વળાંક ફળિયામાં રહેતા પ્રતાપસિંહ રમસીગ પટેલના ખેતરમાં પાણી વગરના કુવામાં રાત્રિના દરમિયાન વન્ય પ્રાણી દીપડો લટાર મારતા મારતા કૂવામાં ખાબકતા આસપાસના ગ્રામજનોને દીપડાનો અવાજ સાંભળતાની સાથે કૂવામાં નજર પડતા ગ્રામજનોને કુવામાં દીપડો દેખાતા દેગાવાડાના તથા આસપાસના ગ્રામજનો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા.
તે દરમિયાન ગ્રામજનોએ દે.બારીયા રેન્જના આર.એફ.ઓને આ બાબતની જાણ કરી કરતા દે.બારીયા આર.એફ.ઓ આર.એમ.પુરોહિત સહિત નજીકના વનવિભાગના સ્ટાફ તેમજ રેસ્કયુ ટીમ નિષ્ણાતની મદદ લઇ ઘટના સ્થળે પહોંચી ગયા અને કૂવાને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અંધારાનો સમય જોઈ દીપડાને કુવામાંથી કાઢવા માટેની જહેમત હાથ ધરવામાં આવશે. આ દીપડો નર છે અને તેની ઉમર અંદાજિત ૬ થી ૭ વર્ષની હોવાનું આર.એફ.ઓ.એ જાણકારી આપી હતી.
વન વિભાગ દ્વારા પ્રાણીઓને પાણી પીવા માટે જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા હવાડાઓ પણ કોરાધાકોડ પડ્યા છે. તેથી શિકાર અને પાણીની શોધ માટે વન્યપ્રાણી દીપડાઓ અવાર-નવાર રહેણાક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે. જ્યારે વન વિભાગ દ્વારા પાણી વગરના કૂવામાં દિપડોને બહાર કાઢવા માટે જહેમત હાથ ધરી છે.