દાહોદ જિલ્લાના પીયત વિસ્તારની ૧૬૯૫૦ હેકટર જમીનમાં બાગાયતી પાકોની ઉજળી શક્યતા
સમગ્ર દાહોદ જિલ્લામાં ગત્ત ચોમાસામાં સારા પડેલા વરસાદને પરિણામ સ્વરૂપ રવીપાક માટે ઉજળા સંજોગો ઉભા થયા છે. જો કે, દાહોદ જિલ્લામાં રવીપાકની વાવણી પણ પૂર બહારમાં ચાલી રહી છે. પરંતુ, આ વખતે કૃષિકારોને મહત્તમ ફાયદો થાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે છે દાહોદ જિલ્લાના પીયત વિસ્તારોમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવાનું !
આ અભિયાન પાછળની ભૂમિકા સમજવા જેવી છે. દાહોદ જિલ્લામાં ૨૨૪૯૧૯ હેક્ટર જમીન ખેતી લાયક છે. જેમાં આ વખતે ૯૭.૮ ટકા એટલે કે ૨૨૦૦૧૧ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં મકાઇ મુખ્ય પાક તરીકે ખેડૂતો વાવે છે. જ્યારે, ખરીફ કરતા ૫૦ ટકા જેટલી જમીનમાં રવી પાકનું વાવેતર કરવામાં આવે છે.
ગત્ત વર્ષે ૧૧૭૭૮૦ હેક્ટર (૫૦ ટકા) જમીનમાં રવી પાકની વાવણી થઇ હતી. એમાં મુખ્યત્વે ચણા જેવા કઠોણ પાકનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે, સરેરાશ એકથી ત્રણ ટકા જમીનમાં જ ઉનાળુ વાવેતર થાય છે. નોંધવા જેવી વાત એ છે કે, ગત્ત વર્ષે માત્ર ૦.૨૧ ટકા જમીનમાં ઉનાળુ વાવેતર થયું હતું. રોજગારી માટે સ્થળાંતરનું આ મહત્વનું કારણ છે. માત્ર બિનપીયત વિસ્તારમાંથી જ નહીં, જ્યાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંથી પણ સ્થળાંતર થાય છે.
દાહોદ જિલ્લાની કૃષિની બીજી એક ખાસ વિશેષતા એ છે કે, ખેડૂતો પાસે નાના નાના ટૂકડામાં જમીનો છે. એક સાથે મોટા પ્રમાણમાં જમીન હોય એવા ખેડૂતો માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા છે.
આવા મોટા ખેડૂતો આધુનિક પદ્ધતિનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. વળી, ઓછી જમીન ધરાવતા ખેડૂતો પોતાના જીવનનિર્વાહ માટે મકાઇ જેવા પાકોનું વાવેતર કરે છે. એટલે કે, કૃષિમાંથી જે ઉપજે એ વેચવામાં આવતું નથી. આ પદ્ધતિમાંથી બહાર આવવા બાગાયતી પાકો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
હવે જો, ખેડૂતો પરંપરાગત કૃષિ પદ્ધતિને બદલે આધુનિક તથા બાગાયતી પાકો તરફ વળે તો ખેડૂતોને વધુ આવક થવાની શક્યતા છે. ખાસ કરીને દાહોદ જિલ્લામાં આવેલા પીયત વિસ્તારોમાં બાગાયતી પાકો લેવાની ભરપૂર સંભાવના છે. હાલમાં ખેતીલાયક જમીનના માત્ર ૧૪.૩૦ ટકા જેટલા વિસ્તારમાં બાગાયતી પાકો છે. આ વિસ્તાર વધારા માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સિંચાઇ વિભાગ, કૃષિ વિભાગ અને બાગાયત વિભાગની સંયુક્ત રીતે પ્રયત્નો કરવા જણાવ્યું છે.
દાહોદ જિલ્લામાં આવેલા સાત મોટા જળાશયોના પીયત વિસ્તાર હેઠળ આવતા ગામોમાં બાગાયતી પાકોની મોસમ સારી રીતે લઇ શકાય છે. હાલમાં ૮૨ ગામોની ૧૬૯૫૦ હેકટર જમીન પીયત વિસ્તાર હેઠળ આવે છે. જેમાં કબૂતરી ડેમ હેઠળ ૫ ગામોમાં ૧૮૧૮ હેક્ટર, પાટા ડુંગરી હેઠળ ૨૯ ગામોમાં ૫૦૭૨ હેક્ટર, વાંકલેશ્વર હેઠળના ૧૦ ગામોમાં ૨૫૧૪ હેક્ટર, અદલવાડાના ૬ ગામોમાં ૧૩૭૬, ઉમરિયા નીચે ૧૬ ગામોની ૨૧૯૨ હેક્ટર, માછણનાળાના ૧૦ ગામોની ૨૪૬૩ અને કાળી-૨ નીચે ૬ ગામોની ૧૫૧૫ હેક્ટર જમીનમાં સિંચાઇ વિભાગ દ્વારા પીયત આપવામાં આવે છે. આ તો માત્ર મોટી સિંચાઇ યોજનાની વાત થઇ. નાની યોજના હેઠળની પીયત જમીન અલગ !
આ પીયત વિસ્તારના ખેડૂતો બાગાયતી પાકો વાવે તો તે આંતરપાક તરીકે ધાન્ય પાકોની પણ ઉપજ લઇ શકે એમ છે. ખેડૂતો પણ જો તેમની પરંપરાગત ખેતી પદ્ધતિ છોડી આધુનિક ઢબે ખેતી કરે તો આર્થિક રીતે સક્ષમ બની શકે છે. આ વિસ્તારના ખેડૂતોને જાગૃત કરવા માટે ઉક્ત વિભાગો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવાનું આયોજન છે. આત્મા જેવી સંસ્થાઓમાં તાલીમ લઇ ખેડૂતો સારી રીતે બાગાયતી પાકો વાવી શકે છે