દાહોદ જિલ્લાના ૨૦ યોગ ટ્રેનરો નાગરિકોને ડિઝિટલી યોગ તાલીમ આપશે

યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો- યોગ કોચ વિનોદભાઇ પટેલનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું- મંત્રી શ્રી ખાબડ અને સાંસદ શ્રી ભાભોરે જિલ્લાના ગામે ગામ યોગ પહોંચતા કરવા કર્યું આહ્વાન
દાહોદ, : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા રાજયના યોગ તાલીમ પામેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. દાહોદ જિલ્લાના સેવા સદન ખાતેથી ડિઝિટલ માધ્યમથી આ કાર્યક્રમમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને તાલીમ પામેલા યોગ ટ્રેનરો જોડાયા હતા.
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે મંત્રીશ્રી અને સાંસદશ્રીએ યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપ્યા હતા અને જિલ્લામાં વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવા જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ દાહોદ જિલ્લાના યોગ કોચ શ્રી વિનોદભાઇ પટેલને પણ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. રાજયમાં સૌથી વધુ નાગરિકોને યોગ તાલીમ આપવામાં વિનોદભાઇ ટોચના પાંચ યોગ કોચમાંના એક છે.
કાર્યક્રમમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આધુનિક સમયમાં યોગ એ સ્વસ્થ રહેવા માટેનો સૌથી મોટો કિમિયો છે. જીવનભર યોગ કરીને હંમેશા સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે. માટે દરેકે પોતાના જીવનમાં યોગને દિનચર્યાનો ભાગ બનાવવો જ રહ્યો. આપ સૌ યોગ ટ્રેનરો ભવિષ્યમાં વધુમાં વધુ નાગરિકોને જિલ્લામાં યોગની તાલીમ આપશો અને તંન્દુરસ્તી માટે યોગને દરેક નગર અને ગામે ગામ પહોંચતા કરવાના અભિયાનમાં સહભાગી બનશો.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, અહીંયા ઉપસ્થિત સૌ યોગ ટ્રેનરો કોરોના મહામારીના સમયમાં પણ ઓનલાઇન તાલીમ આપીને જિલ્લાના નાગરિકોને યોગ સાથે જોડી શકો છો. આ મહામારીના સમયમાં યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ પાસેથી મળેલું અમોઘ શસ્ત્ર છે. જેનાથી આપણે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારી તેની સામું બચાવ કરી શકીએ છીએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૯ યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી અને રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેનશ્રી અને સભ્યશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.