Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના ૨ લાખ સિનિયર સિટીઝનની સ્વાસ્થ્ય સંભાળનાં અભિયાનનો આરંભ

કોરોના મહામારી સામે દાહોદ જિલ્લામાં ચાલી રહ્યું છે ‘સુરક્ષિત દાદા દાદી – નાના નાની અભિયાન’ : ૨૦૦૦ થી પણ વધુ વરિષ્ઠ નાગરિકોને કરાયા ફોન, ૧૦૦ જેટલા સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા : જિલ્લા વહીવટી તંત્ર વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓનો લાવી રહ્યું છે ત્વરિત નિકાલ

(આલેખન: મહેન્દ્ર પરમાર) તમારી દવા લીધી કે નહી, દાદા ? દાદી, તમારી તબિયત કેવી છે ? તમે વિચારસો કે આ સવાલ કોઇ પૌત્ર-પૌત્રી તેમના દાદા કે દાદી ને પૂછી રહ્યાં હશે. હા. એવું જ છે પણ થોડીક અલગ રીતે. દાહોદ જિલ્લાના ૪૦ થી વધુ સ્વયંસેવકોએ જિલ્લાના બે લાખથી પણ વધુ સિનિયર સિટીઝનની જાણે પોતાના જ દાદા-દાદી હોય તે રીતે સ્વાસ્થસંભાળ માટે ‘સુરક્ષિત દાદા દાદી – નાના નાની અભિયાન’ ચલાવ્યું છે. આ અભિયાન થકી વરિષ્ઠ નાગરિકો માટે કોરોના સંક્રમણ સામે રક્ષણ ઉપરાંત તેમની અનેક મૂંઝવણોનો પણ ત્વરિત નિકાલ કરાય છે.

વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સ્વાસ્થ દરકાર સાથે નીતિ આયોગ, જિલ્લા પ્રશાસન, પિરામલ ફાઉન્ડેશન અને જિલ્લાની મૂલ્યનિષ્ઠ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન દેશના ૧૧૨ મહાત્વાકાંક્ષી જિલ્લાઓમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ચલાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં પણ ૮ જુલાઇથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લાની એનજીઓ જેવી કે સદગુરૂ ફાઉન્ડેશન, ભગીની સમાજનાં સક્રિય સહયોગ ઉપરાંત નેહરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકો પણ આ ઉમદા કામગીરીમાં જોડાયા છે. અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી છે. આ સ્વયંસેવકો ફોન દ્વારા વરિષ્ઠ નાગરિકોને ઘરમાં કરિયાણું છે કે નહી, કોઇ માનસિક મૂંઝવણ તો નથી અનુભવતા ને ? દવાઓનો સ્ટોક ઘરમાં ઉપલબ્ધ છે કે નહી. કોઇ આર્થિક કે કૌટુંબિક પરેશાની તો નથી ને. એવા પ્રશ્નો દ્વારા તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી રહ્યા છે. તાલીમ પામેલા સ્વયંસેવકો પોતાના ઘરેથી જ આ કામગીરી કરી રહ્યાં છે.

અત્યાર સુધીમાં સ્વયંસેવકોએ ૨૦૦૦ થી પણ વધુ સિનિયર સિટીઝન પાસેથી ફોન દ્વારા તેમની શારીરિક સ્થિતિથી લઇને માનસિક, સામાજિક, કે કૌટુંબિક સમસ્યાઓ બાબતે માહિતી મેળવી છે. જેમાંથી ૧૧૯ સિનિયર સિટીઝનોએ પોતાની સમસ્યાઓ બાબતે મદદ માંગી હતી. જેમાંથી વહિવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી ૨૦ થી પણ વધુ વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે અને હજુ પણ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. આ સમસ્યાઓમાં મુખ્યત્વે કરીયાણું કે દવાઓના સ્ટોક જેવી સમસ્યાઓ મુખ્ય છે.

જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી જણાવે છે કે, દાહોદ જિલ્લો કોરોના મહામારીનો મજબુતાઇથી સામનો કરી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકો આ મહામારીથી સંક્રમિત થવાની સૌથી વધુ શક્યતા હોય છે. માટે જિલ્લાના ૨ લાખથી પણ વધુ ૬૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વયંસેવકો ફોન દ્વારા વરિષ્ઠ નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે જાગૃત કરે છે. તેમની દવાઓના સ્ટોકથી લઇને પેન્શન પણ નિયમિત મળી રહ્યું છે તેની પુષ્ટિ કરે છે. પિરામલ ફાઉન્ડેશનના અઠવાડિક રીર્પોટ પરથી જે વરિષ્ઠ નાગરિકો કોઇ સમસ્યાથી પરેશાન હોય તેનું સમાધાન લાવવામાં આવે છે.

નીતિ આયોગ અને પિરામલ ફાઉંન્ડેશન ડિવીઝનલ ફેસીલેટર શ્રી મનિષ વિશ્નોઇ જણાવે છે કે, આગામી બે થી ત્રણ મહિનામાં જિલ્લાના દરેકે દરેક વરિષ્ઠ નાગરિકો સુધી ટેલીફોનીક માધ્યમથી પહોંચવામાં આવે છે અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં આવશે. આ માટે વધુમાં વધુ સ્વયંસેવકોને જોડવામાં આવી રહ્યાં છે અને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં દેશભરમાં આ અભિયાન થકી ૩.૭૦ લાખથી પણ વધુ વરિષ્ઠ નાગરિકોની મદદ કરવામાં આવી છે. ૪૧ હજારથી પણ વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા છે. જયારે ૧૧,૬૧૨ વરિષ્ઠ નાગરિકોની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.