દાહોદ જિલ્લાના ૩.૪૧ લાખથી વધુ ખેડૂતોને ૧૫૪ કરોડની કૃષિ સહાય મળશે
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ-સુશાસન દિનના પુણ્યપ્રસંગે શ્રદ્ધા સુમન અર્પણ કરતા મહાનુભાવો
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મામલતદાર કચેરી અને સ્ટાફ કવાર્ટસ બનાવવા માટેની રજૂઆતને તાત્કાલીક મંજૂરી મેળવી આપતા મહેસુલ મંત્રીશ્રી
દાહોદ: દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ૩.૪૧ લાખથી પણ વધુ ખેડૂતોને ૧૫૪.૧૯ કરોડની કૃષિ સહાય પેકેજ મંજુરીની મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જાહેરાત કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના પુણ્યપ્રસંગે તેમને શ્રદ્ધા સુમન અર્પતા તેમણે આ વાત કરી હતી.
લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે આર્ટસ કોલેજ ગ્રાઉન્ડમાં ઉક્ત ત્રણે જિલ્લાઓના ખેડૂતો માટે કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્રણે જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાકની કરવામાં આવેલી ખરીદીના લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની કવિતા ગીત નયા ગાતા હું યાદ કરતા મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમના સુશાસન માટે દેશ વર્ષો સુધી યાદ કરશે. જનતા વિવિધ કારણોથી ત્રસ્ત હતી ત્યારે શ્રી વાજપેયીજીના શાસનમાં તેમણે સુશાસનનો અનુભવ કર્યો અને હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ જ નહી, આખું વિશ્વ સુશાસનનો અનુભવ કરી રહી છે.
ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું હિત આ સરકારના હૈયે વસેલું છે, આ દેશનો ખેડૂત દુખી ન રહેવો જોઇએ એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિજળી, પાણી જેવી ખેડૂતોની પાયાની જરૂરીયાતો અમે પૂરી કરી છે. ખેડૂતને સારા બજારભાવ ન મળે તો ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે. ગત વર્ષે અછતની સ્થિતિમાં સરકાર દ્વારા ૧૫ કરોડ કિલો ઘાસની ખરીદી કરવામાં આવી હતી.
આ વર્ષે અતિવૃષ્ટી અને કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકશાન થયું છે તેમને રૂ ૩૭૯૫ કરોડની કૃષિ સહાય આજથી શરૂ કરવામાં આવી રહી છે આ એક ઐતિહાસિક ઘટના છે. દાહોદ, પંચમહાલ અને મહીસાગરના ખેડૂતોને પણ રૂ. ૧૫૪.૧૯ કરોડની કૃષિ સહાય પેકેજની રકમ સીધી જ બેન્ક ખાતામાં જમા થશે.
આ પ્રસંગે તેમણે દાહોદ જિલ્લાના નવા રચાયેલા સીંગવડ તાલુકામાં મામલતદાર કચેરી અને સ્ટાફ કવાર્ટસ બનાવવા માટેની જનપ્રતિનિધિની રજૂઆતને તાત્કાલીક મંજૂરી મેળવી લીધા હોવાની જાહેરાત કરી હતી અને ટૂંક સમયમાં જ આ ભવનોનું ઉદ્ધાટન કરવા આવવા માટેની ઇચ્છા વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડે પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાયપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને રૂ. ૩૭૯૫ કરોડનું કૃષિ સહાય પેકજએ રાજય સરકારની સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીનું ઉદાહરણ છે. આ પેકેજ અંતર્ગત દાહોદ જિલ્લાના ૯૮૦૮૫ ખેડૂતોને ૩૯.૨૩ કરોડ, પંચમહાલ જિલ્લાના ૧૩૫૯૮૫ ખેડૂતોને ૫૬.૬૯ કરોડ અને મહીસાગર જિલ્લાના ૧૦૭૨૮૮ ખેડૂતોને ૫૫.૨૭ કરોડનો લાભ મળશે. ખેડૂતોના ખાતામાં સીધા જ રૂ. ૪૦૦૦ ની સહાય પહોંચશે. જે ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તેઓએ ૩૧ તારીખ પહેલા અરજી કરી દેવી.
રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે ખેડૂત હિતલક્ષી અનેક યોજનાઓ અને નિર્ણયો લઇ રહી છે. દાહોદ જિલ્લામાં પણ કડાણા યોજના અને હાફેશ્વર યોજના થકી દરેક ખેડૂતને અને દરેક ઘરે પાણી મળશે તેમ મંત્રી શ્રી ખાબડે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે રાજય કક્ષાના મંત્રી શ્રી જયદ્વથસિંહ પરમારે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીજી છેવાડાના ગામડાની ચિંતા કરતા હતા વર્તમાન સરકાર છેવાડાના માણસ માટે કામ કરી રહી છે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે લીધેલા વીરલ નિર્ણયો અને કામગીરીને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે તેમણે ૧૦૮ની એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી, મા અમુત્તમ અને મા વાત્સલ્ય યોજના શરૂ કરી, ૨૪ કલાક વિજળી મળતી થઇ, કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ સરકારે ખેડૂતોના લાભાર્થે અનેક ત્વરિત નિર્ણયો લીધા છે પરીણામે દિનપ્રતિદિન ખેડૂત સમૃદ્ધ થઇ રહ્યો છે. પારદર્શકતા, નિર્ણાયકતા દ્વારા રાજયમાં ખરા અર્થમાં સુશાસન સ્થાપિત થઇ રહ્યું છે.
આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીએ દેશને કરેલા અપૂર્વ યોગદાનને યાદ કર્યુ હતું. એકલવ્ય મોડલ શાળાની શરૂઆત, દરેક ગામ સુધી પાકા રસ્તા, શિક્ષણ ક્ષેત્રે સર્વશિક્ષણ અભિયાન જેવા કાંતિકારી નિર્ણયો વિશે વાત કરતા તેમણે ભારત રત્ન શ્રી વાજપેયીજીને શ્રદ્વાજલી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક ઐતિહાસીક અને કાંત્નિકારી નિર્ણયો લેવાઇ રહ્યા છે. રાજય સરકાર પણ જનહિતલક્ષી અનેક નિર્ણયો ત્વરિત લઇને પ્રજાસુખાકારીમાં વધારો કરી રહી છે. ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ થકી સમૃદ્ધિના દ્વાર ખોલી નાખ્યા છે. ખેડૂતોને ૦ ટકા વ્યાજથી લોન મળી રહી છે તેવું પહેલી વાર બન્યું છે. ખેડૂતોના હિત અને વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે.
કૃષિ સંમેલનમાં દાહોદ, પંમહાલ અને મહીસાગર જિલ્લાના લાભાર્થી ખેડૂતોને કૃષિ સહાય પેકેજ અને ટેકાના ભાવે પાક ખરીદીના મંજુરીપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના ગીત નયા ગાતા હું કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે કાર્યક્રમ બાદ આભાર વિધિ માટેનું પ્રવચન કર્યુ હતું. ઉક્ત ત્રણે જિલ્લામાંથી ઉપસ્થિત ખેડૂતોએ રૂ. ૧૫૪.૧૯ કરોડના કૃષિ સહાય પેકેજને વધાવી લીધું હતું.
કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ઉક્ત ત્રણે જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ સર્વે શ્રી યોગેશભાઇ પારગી, શ્રી મંજુલાબેન ખાંટ, શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વે શ્રી શૈલેષભાઇ ભાંભોર, રમેશભાઇ કટારા, જીગ્નેશભાઇ સેવક અને પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.