દાહોદ જિલ્લાના ૫૫ ગામોની રૂ. ૧૬.૫ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર
ચોસાલા, લીમડી મેદરી, ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન
અહીની કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ૫૫ ગામોમાં ગ્રામજનોને તેમના ઘર સુધી નળ મારફત પાણી આપવાની રૂ. ૧૬.૫ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાના ચાર ફળિયા વિસ્તારને ચોવીસ કલાક પાણી આપવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે અધિકારીઓને દિશાદર્શન કર્યું હતું.
રાજ્ય મંત્રી શ્રી ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં દુર્ગમ વિસ્તારો વસતા લોકોને પીવા માટેનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડ અને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ પાણીની યોજનાનું એવી રીતે આયોજન કરવું જોઇએ કે જેથી જે તે યોજના સમય મર્યાદામાં પૂર્ણ થઇ જાય અને લોકોને કોઇ તકલીફ ના પડે.
આગામી ઉનાળા સુધીમાં વર્તમાન તમામ યોજનાઓના સર્વે થઇ, ટેન્ડરિંગ પ્રક્રીયા અને સમયસર કામ પૂર્ણ કરવા શ્રી ખાબડે અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ શ્રી વિજય ખરાડીએ પાણીની યોજનાના સુચારૂ અમલીકરણ માટે સંબંધિત વિભાગોએ સારી રીતે સંકલન કરી લેવા જણાવ્યું હતું. તેમણે પણ વિવિધ યોજનાની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં દેવગઢ બારિયાના ૭, ધાનપુર તાલુકાના ૧૪, ઝાલોદના ૪, સિંગવડના ૧૦, ફતેપુરા તાલુકાના ચાર, ગરબાડાના બે, દાહોદ તાલુકાના ચાર અને લીમખેડા તાલુકાના ૧૧ ગામોને રૂ. ૧૦૫ કરોડની નવી પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પાણી, હાફેશ્વર, સ્થાનિક સ્ત્રોતો પર આધારિત છે. કુલ ૧૨૮૨૬ ઘરોને આવરી લેવાનું આયોજન છે.
આ ઉપરાંત દાહોદ તાલુકાના ચોસાલા, ધાનપુર તાલુકાના લીમડી મેદરી, લીમખેડાના ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટે તેની હયાત યોજનામાં રૂ. ૨.૦૩ લાખના ખર્ચથી સુધારો કરી આ યોજના લાગુ કરવામાં આવશે.
બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનરે શ્રી કે. કે. પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનરે શ્રી મોઢિયા, વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર શ્રી સંજય વર્મા, સીડીએચઓ ડો. પરમાર, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.