Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના ૫૬ ગામોમાં હવે સોલાર પાવરથી પાણી વિતરણ થશે

દાહોદ:દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં આવેલા છૂટાછવાયા ગામોના પ્રત્યેક ઘરોમાં પાણી મળી રહે એ માટે હવે સોલાર પેનલ થકી પાણી વિતરણનું કાર્ય કરવામાં આવ્યું છે. વાસ્મો એટલે કે, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના કુલ ૫૬ ગામોમાં સોલાર પેનલ થકી પાણી વિતરણ કરવાનું આયોજન છે. સાત ગામોમાં આ પ્રકારે કાર્ય થઇ રહ્યું છે. આગામી માર્ચ માસ સુધીમાં વધુ ૪૦ ગામોમાં સોલાર પેનલ બેસાડી દેવામાં આવશે.

આ બાબતે વાસ્મોના કાર્યપાલક ઇજનરે શ્રી મોઢિયાએ જણાવ્યું કે, ગામોની જરૂરિયાત મુજબ મોટર, બોરવેલની લાઇન સહિતના આનુષાંગિક સાધનો સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે ગામમાં ત્રણ હોર્સ પાવરની મોટર મૂકવામાં આવે ત્યાં રૂ. ૨.૭૨ લાખનો ખર્ચ થાય છે. તે મુજબની જ સોલાર પેનલ ઇન્ટોલ કરવામાં આવે છે. આ પેનલ દ્વારા પ્રતિ છ કલાકે ૧૪થી ૧૫ યુનિટ વીજળી ઉત્પન થાય છે. જ્યારે, સબમર્સીબલ પમ્પને ૧૦ યુનિટ વીજળી જોઇએ છે. જ્યારે, પાંચ હોર્સ પાવરની સબ મર્સીબલ પમ્પને જરૂરી હોય એવી સોલાર પેનલ દ્વારા ૨૩ યુનિટ પ્રતિ છ કલાકે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તેનો ખર્ચ રૂ. ૩.૩૦ લાખ થાય છે.

દાહોદ જિલ્લામાં સોલાર પેનલની યોજનામાં સમાવવામાં આવેલા ૫૬ ગામો પૈકી ૭ સાત ગામોમાં સોલાર પેનલ થકી પાણીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે, આગામી માર્ચ માસ સુધીમાં બીજા ચાલીસ ગામોમાં સોલાર પેનલ ઇન્ટોલ કરી દેવામાં આવશે. જે સ્થળે પાણીની ઉપલબ્ધતા હોય પણ વીજળી પહોંચાડવી શક્ય ન હોય તેવા વિસ્તારોને આ યોજનામાં પ્રાથમિક્તા આપવામાં આવે છે.

ફતેપુરના ડુંગર ગામે પણ આવી રીતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગામના વૃદ્ધ જગજીભાઇ તાવિયાડ કહે છે કે, અમારા ફળિયા નજીકની એક ટેકરી પર બોરવેલ કરવામાં આવતા ત્યાં પાણી મળ્યું પણ, વીજળી મળે એવી શક્યતા નહીંવત્ત હતી. એટલે ત્યાં સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે. હવે, અમે દિવસ દરમિયાન કોઇ સમયે પાણી મળી રહે છે.

ડુંગર ગામના આ ફળિયામાં સાત ઘરો છે અને તેમાં ૪૦ જેટલી વ્યક્તિઓ રહે છે. તેમને પહેલા પાણી નજીકના સ્ત્રોતો સુધી જવું પડતું હતું. હવે, ઘર આંગણે જ પાણી મળી ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હર ઘર જલ, હર ઘર નલનું સ્વપ્ન સાકાર કરવામાં સોલાર પેનલ મહત્વનું પરિબળ બની રહેશે. તેમાં કોઇ બેમત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.