દાહોદ જિલ્લામાં ઉજવાઇ રહ્યું છે ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’
ખાસ લેખ : મહેન્દ્ર પરમાર દાહોદ,: ૧૧ : મહાત્માં ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણીના અવસરે દેશભરમાં તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ સુધી ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’ ઉજવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાને પણ ગંદકીમુક્ત બનાવવા અને સ્વચ્છતા બાબતની જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો તા. ૧૫ ઓગસ્ટ સુધી યોજવામાં આવી રહ્યા છે.
‘ગંદકી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.ડી. બલાત દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ રોજેરોજ યોજાઇ રહ્યાં છે. જેમાં તા. ૮ ઓગસ્ટના રોજ જિલ્લાના સરપંચો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ઇ-રાત્રી સભા યોજવામાં આવી હતી. તા. ૯ ઓગસ્ટના રોજ વિવિધ ગામના સરપંચશ્રીઓએ ગામમાંથી પ્લાસ્ટીક એકત્રિત કરીને ગામમાં સફાઇ અભિયાન ચલાવ્યું હતું.
જેમાં ગ્રામજનો સ્વેચ્છાએ જોડાયા હતા અને ગામને ચોખ્ખું ચણાક કરી દેવામાં સહયોગ આપ્યો હતો. તા. ૧૦ ઓગસ્ટના રોજ વિવિધ ગામોમાં શ્રમદાનની પ્રવૃતિ, જાહેર ઇમારતોની સાફસફાઇ-વ્હાઇટવોશ, ઓડીએફ પ્લસનું શિક્ષણ અને જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત આ બાબતે માર્ગદર્શન મેળવવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૦૪૦૪ ની માહિતી પણ અપાઇ હતી.
આ ઉપરાંત આજ રોજ તા. ૧૧ ઓગસ્ટે ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો, દિવાલો ઉપર વોલ પેઇન્ટીંગ દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આણવાના કાર્યક્રમો યોજાશે. તા.૧૨ ઓગસ્ટના રોજ ગ્રામ્ય કક્ષાએ શ્રમદાન અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩ ઓગસ્ટના રોજ ‘ગંદકી મુકત મારૂ ગામ’ ના થીમ પર ઓનલાઇન ચિત્ર સ્પર્ધા ઘોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ વચ્ચે અને નિબંઘ સ્પર્ધા ઘોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાશે. .૧૪ ઓગસ્ટના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અંગેનુ આયોજન, તા.૧૫ ઓગસ્ટના રોજ સામાન્ય સભામાં ગામને ઓડીએફ પ્લસ ઘોષિત કરવાનુ રહેશે. આ સ્વચ્છતા અભિયાનમાં લોકો સ્વેચ્છાએ જોડાઇ રહ્યાં છે અને ગામને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે એમ સમજી સહયોગ આપી રહ્યાં છે.