Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિને ૨૨૬૯૦ નાગરિકો જોડાયા

સરકારની પ્રજાકલ્યાણની વિવિધ યોજનાની માહિતી જનજન સુધી પહોંચાડવા અને તેમાં લોકભાગીદારી વધારવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભવામાં આવેલી જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિવસે નવ તાલુકાના ૧૧૩ ગામોના ૨૨૬૯૦ નાગરિકો તેમાં જોડાયા હતા.

દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા આ નવતર અભિયાનમાં મહત્વાકાંક્ષી જિલ્લા હેઠળ નિતિ આયોગ દ્વારા નિયત કરવામાં આવેલા માપદંડો પરત્વે લોકોમાં જાગૃત આણવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લા પંચાયતની બેઠક મુજબ રથના રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૨૭ જેટલા રથો બનાવવામાં આવ્યા છે. એક રૂટ ઉપર ત્રણ રથો ચાલી રહ્યા છે. પ્રત્યેક રૂટના દસ ગામોમાં રથ ફરે છે. જે ગામથી પ્રારંભ થાય અને દિવસના અંતે જે ગામમાં રાત્રી રોકાણ થાય ત્યાં સભા યોજવામાં આવી રહી છે. સાથે, ભવાઇ સહિતના કાર્યક્રમો, બાળકોમાં રમતગમત સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન છે.

તા. ૨૭ના રોજ લીમખેડા તાલુકામાં જાદા, ખેરિયા, ચીલાકોટ અને કથોલિયા ગામમાં રથ આગમન વેળાએ મુલાકાત લેવામાં આવી તો લોકોનો આ જનજાગૃતિ અભિયાન પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળતો હતો. ગામમાં રથ રોકાણ દરમિયાન તેમને આરોગ્ય, શિક્ષણ, પોષણ, કૃષિ જેવી બાબતોની માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા જ રથને લીલી ઝંડી આપી આગળ તરફ પ્રયાણ કરાવવામાં આવતું હતું.

કથોલિયામાં લીમખેડા પ્રાંત અધિકારી શ્રી હડિયલ દ્વારા રાત્રી સભા યોજવામાં આવી હતી. જ્યાં તેમણે પાણી, આંગણવાડી અને રસ્તા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેનું નિરાકરણ લાવવા ગ્રામજનોને આશ્વસ્ત કર્યા હતા.

જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિવસે દાહોદ તાલુકામાં ૯૧૪, ગરબાડા તાલુકામાં ૧૧૬૫, ધાનપુર તાલુકામાં ૨૯૪૨, દેવગઢ બારિયા તાલુકામાં ૨૨૨૮, લીમખેડા તાલુકામાં ૧૯૦૯, ઝાલોદ તાલુકામાં ૩૪૯૧, ફતેપુરા તાલુકામાં ૫૯૪૪, સંજેલી તાલુકામાં ૨૬૬૭ અને સિંગવડ તાલુકામાં ૧૪૩૦ લોકોએ સહભાગી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.