Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં ડિઝીટલ સેવાસેતુનો ત્રીસ હજાર અરજદારોને લીધો લાભ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ કરેલા ડિઝીટલ સેવાસેતુ ઓનલાઇન પ્લેટફોર્મ અરજદારો માટે બન્યુ સુલભ માધ્યમ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા ડિઝીટલ સેવાસેતુ કાર્યક્રમને દાહોદમાં નોંધપાત્ર સફળતા મળી છે. દાહોદ જિલ્લામાં ડિઝીટલ સેવાસેતુનો ત્રીસ હજાર જેટલા અરજદારોએ લાભ લીધો છે. ડિઝીટલ સેવાસેતુ કાર્યક્રમ રાજ્ય સરકારની કોરોનાકાળમાં પણ વિવિધ સેવાઓની ડોરસ્ટેપ ડિલિવરી આપવાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે એ માટે મુખ્યમંત્રીશ્રીએ સેવા સેતું કાર્યક્રમનો અભિગમ અમલમાં મૂક્યો હતો. પરંતુ, કોરોનાકાળને ધ્યાને રાખીને હવે આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓ તા. ૮-૧૦-૨૦૨૦થી ઓનલાઇન મૂકવામાં આવી છે. અર્થાત રાજ્ય સરકારની સેવાઓનો લાભ લેવા માટે એક છત્ર ઉભું કરવામાં આવ્યું છે. ડિઝીટલ સેવા સેતુ પોર્ટલ ઉપર જ અરજદાર અરજી કરવાની તેનો લાભ ઘર બેઠા મળી જાય છે.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૩,૪૬૫ અરજીઓ ડિઝીટલ સેવા સેતુ કાર્યક્રમમાં મળી છે. આ અરજીઓનો સંબંધિત વિભાગ દ્વારા સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ પાર્ટલ ઉપર રાજ્ય સરકારની કુલ ૩૬ સેવાઓ મૂકવામાં આવી છે. જેમાં રાશનકાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વૃદ્ધ, વિધવા કે નિરાધાર પેન્શન સહાય યોજના સહિતની લોકજરૂરતની યોજનાઓ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આવકનો દાખલો કાઢી આપવાની સત્તા તલાટી મંત્રીને આપવાનો નિર્ણય કરતા તેનો લાભ પણ અરજદારોને થયો છે. કારણ કે, શિક્ષણ વિવિધ વિભાગની યોજનાનો લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી છે. હવે તે ગ્રામ્ય કક્ષાએ અને એ પણ ઓનલાઇન અરજી કરવાના કારણે મળી રહેતું હોવાથી ભારે સરળતા ઉભી થઇ છે. દાહોદ જિલ્લામાં જ આવા ૨૫ હજાર જેટલા પ્રમાણપત્રો ડિઝીટલ સેવા સેતું પોર્ટલ મારફત થયા છે. આ ઉપરાંત રાશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ૧૪૯૮ અરજદારો, જમીનને લગતા વિવિધ દાખલો મેળવવા માટે અઢી હજારની વધુ અરજદારોએ આ પોર્ટલનો લાભ લીધો છે.

ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી વિલેજ કોમ્પ્યુટર એન્ત્રેપ્રેન્યોર દ્વારા કરવામાં આવે છે. દાહોદમાં ૨૯૪ વીસીઇ છે. રાજ્ય સરકારના કારણે ગ્રામ્યકક્ષાએ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ૨૯૪ યુવાનોને સીધી રોજગારી મળી છે. આ યુવાનોને અરજી દીઠ નિયત કરેલી ફીમાંથી કમિશન આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.