દાહોદ જિલ્લામાં ૧૮૭૦૦ કિલોમીટર લાંબી લાઇન થકી વીજળી ઘરે ઘરે મળે છે
આલેખન – દર્શન ત્રિવેદી
સમગ્ર દેશમાં ગુજરાત જ માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ચોવીસ કલાક વીજળી મળે છે. એક સમય એવો હતો કે જ્યારે ઘરમાંથી લાઇટ જાય પછી ક્યારે આવે તેનું કઇ જ નક્કી નહોતું. પણ, રાજ્ય સરકાર દ્વારા જ્યોતિ ગ્રામ યોજના લાવતાની સાથે જ વીજળી પુરવઠાના સાતત્યમાં આમૂલ પરિવર્તન આવ્યું અને ઘરેઘરે-ગામેગામે ૨૪ કલાક વીજળી મળતી થઇ ગઇ.
છેલ્લા ૩૦ વર્ષમાં વીજ વિતરણમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુવિધા બહેતર બનાવી છે. ત્રણ દાયકા પહેલા જીઇબીના નામે ઓળખાતા ગુજરાત વિદ્યુત બોર્ડનું કંપનીકરણ થયા બાદ દાહોદ જિલ્લામાં ૪ સબ સ્ટેશન સાથે શરૂ થયેલી વીજસેવાની સફર આજે ૧૮ સબ સ્ટેશન સુધી પહોંચી છે.
જીઇબી પૂર્વે દાહોદ નગર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અમલગમેટેડ નામની ખાનગી કંપની દ્વારા વીજળી આપવામાં આવતી હતી. દાહોદમાં આ કંપનીની ઓફિસ એમજી રોડ ઉપર હતી. તે બાદ જીઇબીનું મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રૂપાંતર થયું.
એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રી સંજય વર્માએ કહ્યું કે, દાહોદમાં વીજ સેવાની ત્રણ દાયકાની સફર જોવામાં આવે તો વર્ષ ૧૯૮૬માં એક ડિવિઝન ઓફિસ હતી, હવે લીમડીમાં ડિવિઝન ઓફિસ બનાવવાની દરખાસ્ત વીજ કંપની દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે.
ત્રીસ વર્ષ પહેલા ૬ સબ ડિવિઝનની સામે અત્યારે કુલ ૧૦ સબ ડિવિઝન કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પહેલા એક પણ સર્કલ ઓફિસ નહોતી, તેની સામે અત્યારે એક સર્કલ ઓફિસ પણ છે.
વર્ષ ૧૯૮૬માં ૩૨૩૩ કિલોમિટર વીજ લાઇન દાહોદ જિલ્લામાં હતી, તેની સામે હાલ ૧૮૭૦૦ કિલોમિટર વીજ લાઇન પથરાયેલી છે. તેની બીજા શબ્દોમાં કહીએ તો દાહોદથી કન્યા કુમારી સુધી ૧૦ વખત જઇ આવીએ એટલી લાંબી લાઇન વીજ કંપની દ્વારા પાથરવામાં આવી છે.
ફિડરની વાત કરવામાં આવે તો ત્રણ દાયકા પહેલા માત્ર ૨૭ ફિડરો હતો, તેની સાપેક્ષે આજે ૧૫૦ ફિડર કાર્યરત છે. જ્યારે, ૫૫૯ ગામોની સામે હાલમાં ૬૯૨ ગામો સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. તમામ પેટા પરા વિસ્તારોમાં પણ વીજળી પહોંચી છે. આટલું જ નહીં, રતન મહાલના ડુંગર ઉપર આવેલા ગામો પીપરગોટા, અલિન્દ્રા અને ભૂવેરો જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ વીજળીકરણ થયું છે.
આગામી તારીખ ૨૪મીથી વીજ સેવા ક્ષેત્રમાં નવું સિમાચિહ્ન સ્થપાવા જઇ રહ્યું છે. રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવિધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો પણ આ જ દિવસે વડાપ્રધાનશ્રી દ્વારા શુભારંભ કરાવાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જૂનાગઢથી લોકાર્પણ સમારોહમાં જોડાશે. દાહોદમાં સવારે નવજીવન સાયન્સ એન્ડ આટર્સ કોલેજના મેદાનમાં સવારે ૯.૩૦ વાગ્યાથી ડિઝીટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.