દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના સામે જનજાગૃતિ માટે એક નવતર પહેલ
પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની આગેવાનીમાં બે દિવસ જનજાગૃતિ ઝુંબેશ અન્વયે ૩૦ હજાર લોકોને માસ્ક અપાશે
લોકોને કોરોના એપ્રોપ્રીએટ બિહેવીયર એટલે કે કોરોના સામે સાવચેતીના પગલાંઓ વિશે માહિતી અપાશે
ઝુંબેશ બાદ પણ બેદરકાર રહેતા લોકો સામે વિવિધ એક્ટ અન્વયે કડક કાર્યવાહી કરાશે
દાહોદ: દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની આગેવાનીમાં કોરોના સામે લોકજાગૃતિ લાવવાના હેતુસર એક નવતર ઝુંબેશ બે દિવસ ચલાવવામાં આવશે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસકર્મીઓ દ્વારા માસ્ક પહેરવા બાબતે બેદરકાર રહેતા લોકોને ૩૦ હજાર માસ્કનું વિતરણ કરાશે. ઉપરાંત ‘કોરોના એપ્રોપીએટ બિહેવીયર’ એટલે કે કોરોના સામે સાવચેતીના પગલાંઓ બાબતે લોકોને માહિતગાર કરવામાં આવશે. ઝુંબેશના આ બે દિવસ તો માસ્ક બાબતે કોઇ દંડ નહી લેવામાં આવે, પરંતુ ત્યાર બાદ માસ્ક સહિત કોરોના બાબતે જે લોકો બેદરકારી દાખવશે તેમના સામે કડક કાર્યવાહી કરવાનું પણ તેમણે જણાવ્યું છે.
આજ થી શરૂ કરવામાં આવેલી બે દિવસીય ઝુંબેશ વિશે માહિતી આપતા પોલીસ વડા શ્રી જોયસર જણાવે છે કે, છેલ્લા ઘણાં સમયથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવશે અને કોરોના એપ્રીપીએટ બિહેવીયર બાબતે લોકોને સજાગ કરવામાં આવશે. આ બે દિવસમાં ૩૦ હજાર માસ્કનું નાગરિકોને વિતરણ કરીને માસ્ક પહેરવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.
સાથે કોરોનાથી બચવાના વિવિધ ઉપાયોગ વિશે પણ લોકોને જણાવાશે. આ બે દિવસ સમગ્ર જિલ્લામાં કોરોના સામે જોરદાર જાગૃતિ ઝુંબેશ પોલીસ વિભાગ-આરોગ્ય વિભાગ દ્વારા ચલાવાશે અને નાગરિકોને માસ્ક બાબતે દંડિત પણ નહી કરાય.
આ જનજાગૃતિ ઝુંબેશ બાદ પણ જે લોકો માસ્ક નથી પહેરતા, સામાજિક અંતરનું પાલન નથી કરતા, સેનિટાઇઝરનો ઉપયોગ નથી કરતા કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોના સંબધિત નિયમોનું પાલન નથી કરતા તેમની સામું કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં જાહેરનામાનો ભંગના કેસ કરાશે, ઉપરાંત એપિડેમિક એક્ટ અન્વયે પણ લોકો સામું ગુનો દાખલ કરાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમોની જોગવાઇ મુજબ પણ લોકો સામું કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે આ સંક્રમણને રોકવા કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. જેથી સંક્રમણને રોકી શકાય.
તેમણે ઉમેર્યું કે, પોલીસકર્મી અને તંત્ર દ્વારા કોરોના સામે ચાલી રહેલી ઝુંબેશમાં સહયોગ આપે. પોલીસ કે તંત્રના કર્મચારીઓ સાથે આ બાબતે ઘર્ષણમાં ઉતરનાર વિરૂદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યારે લોકો કોરોના સામે સહયોગ આપે તે અપેક્ષિત છે. કોરોના કેસો નોંધાશે ત્યાં કન્ટેઇમેન્ટ, માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તાર પણ ઘોષિત કરવામાં આવશે અને આ વિસ્તારના લોકોએ આ બાબતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આગામી હોળી-ધૂળેટીના તહેવારોમાં પણ ખાસ સાવચેતી રાખીને કોઇ પણ નિયમનો ભંગ કરવાનો નથી અને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરવાનું છે. માસ્ક એ કોરોના સામે બચાવ માટે ખૂબ જરૂરી છે, નાગરિકો માસ્ક પહેરવાની ખાસ તસ્દી લે.