Western Times News

Gujarati News

દાહોદ જિલ્લા સેવા સદનથી કોલેજ સુધીના રાતના અંધેરા ઉલેચાયા

કલેક્ટરશ્રી વિજય ખરાડીની સૂચના બાદ માત્ર એક જ સપ્તાહમાં ૧.૬ કિ. મિ. લાંબી સ્ટ્રીટ લાઇન નખાઇ

દાહોદ જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત પરિસરમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. આ દીપાવલી પર્વના સપરમા દિવસોમાં જ જિલ્લા સેવા સદનથી દાહોદ નગરમાં કોલેજ સુધી સ્ટ્રીલ લાઇટ નાખવામાં આવતા રાત્રીના સમયે અંજવાળા પથરાયા છે.

જિલ્લા સેવા સદનથી દાહોદ નગર સુધી સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે કર્મચારીઓને ઓફિસ બાદ ઘરે પહોંચવામાં તકલીફ પડતી હતી. આ ઉપરાંત, સરકારી કામે જિલ્લા સેવા સદન કે જિલ્લા પંચાયત ખાતે આવનારા અરજદારોને માટે પણ મુશ્કેલીનો અનુભવ થતો હતો. આ બાબતને ધ્યાને રાખીને કલેક્ટરશ્રી વિજય ખરાડીએ અંધેરા ઉલેચવા માટે જિલ્લા આયોજન કચેરી અને વીજ કંપનીને સૂચના આપી હતી.

કલેક્ટરશ્રીએ આ માટે એક ટીમ બનાવી હતી. જેમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાત, એમજીવીસીએલના તત્કાલીન કાર્યપાલક ઇજનેરશ્રી સંજય વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નયના પાટડિયા અને દાહોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો તેમાં સમાવેશ થતો હતો. આ ટીમે નાણાંકીય જોગવાઇ, સ્ટ્રીટ લાઇન નંખાયા બાદ તેની સારસંભાળની વ્યવસ્થા સહિતની બાબતોમાં પડતી વહીવટી મુશ્કેલીઓ દૂર કરતા સ્ટ્રીટ લાઇટ નાખવા આડેના અંતરાયો દૂર થયા હતા.

હવે, સ્ટ્રીટ લાઇટ શરૂ થઇ જતાં જિલ્લા સેવા સદનથી છેક કોલેજ સુધી અંજવાળા પથરાઇ ગયા છે. પ્રકાશના પર્વમાં આ એક સુંદર કામગીરી થઇ છે. તેની ટેકનિકલ વિગતો જોઇએ તો જિલ્લા સેવા સદન અને કોર્ટ પરિસરની બહાર બે હાઇમાસ્ટ ટાવર નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડની બન્ને બાજુએ ૧૫૫ જેટલા એલઇડી બલ્બ નાખવામાં આવ્યા છે. આ એલઇડી બલ્બ ૫૪ વોટ્સના છે. કોલેજથી સેવા સદન સુધી બન્ને બાજુએ ૧.૬-૧.૬ કિલોમિટર લાંબી લાઇન નાખવામાં આવી છે. જેમાં એરિયલ બંચ કેબલ નાખવામાં આવ્યો છે. આ માટે જિલ્લા આયોજન કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ. આઠેક લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વિશેષ બાબત તો એ છે કે માત્ર એક જ અઠવાડિયાની અંદર જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. કલેક્ટરશ્રીએ આ કામગીરી બદલ સંબંધિતોને બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.