દાહોદ ARTO ૩૦૯ કિમિ સાયકલિંગ કરી માર્ગ સલામતીનો સંદેશો આપશે
દાહોદના એઆરટીઓ સાયકલિંગ કરી ફરજના સ્થળ સુરેન્દ્રનગર હાજર થવા રવાના, બે રાત્રી રોકાણ અને ૪૮ કલાકની કુલ સાહસિક સફર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનથી પ્રેરાઇ અને લોકોમાં માર્ગસુરક્ષા અંગે જાગૃતિ આવે એવા હેતુથી આરટીઓના એક અધિકારીએ એક નવતર અભિયાન આદર્યું છે. દાહોદ ખાતે ફરજ બજાવતા અને હાલમાં જ સુરેન્દ્રનગર ખાતે બદલી પામેલા સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી શ્રી તાહીર દાંત્રેલિયા સાયકલિંગ કરીને પોતાના બદલીના સ્થળે હાજર થવા રવાના થયા છે. તેઓ બે દિવસ બાદ ઝાલાવાડમાં પહોંચશે. માર્ગમાં સરકારીકર્મીઓને સ્વસ્થ રહેવા અને માર્ગસલામતીનો સંદેશો પ્રસરાવતા જશે.
શ્રી દાંત્રેલિયા સાહસિક પ્રવૃત્તિ અને શારીરિક તંદુરસ્તી માટે સતત પ્રવૃત્ત રહે છે. પ્રતિદિન ૧૦ કિલોમિટરનું રનિંગ કરે છે. તદ્દઉપરાંત, પ્રતિ સપ્તાહ એક સો કિલોમિટર જેટલું સાયકલિંગ પણ કરે છે. શારીરિક તંદુરસ્તી માટેની આ પ્રવૃત્તિ તેઓ રોજ સવારે સવા ચાર વાગ્યે ઉઠીને કરે છે.
આ પૂર્વે તેઓ ગત જાન્યુઆરી માસમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા હોર્સ શોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. એ જ રીતે એપ્રિલ-૨૦૧૯માં માત્ર બે કલાક અને ૨૩ મિનિટમાં કપરા ગણાતા આબુ પર્વતનું સાયકલિંગ થકી ચઢાણ કર્યું હતું. જ્યારે, ઓક્ટોબર – ૨૦૧૯માં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પને પણ શ્રી દાંત્રેલિયાએ સર કર્યો છે.
તેઓ આજ તા. ૧૭ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ સવારે સાયકલ ચલાવી સુરેન્દ્રનગર જવા રવાના થયા થયા છે. ત્યાં પહોંચતા તેમને બે દિવસ એટલે કે ૩૦૯ કિલોમિટરની સફરને ૪૮ કલાક જેટલો સમય લાગશે. તેઓ ગોધરા અને બાદમાં અમદાવાદ ખાતે રાત્રી રોકાણ કરવાના છે. પ્રતિ કલાક ૨૫ કિલોમિટર માર્ગ કાપવાનું તેમનું આયોજન છે. એક વાહન સાથે ખાસ પ્રકારની બે સાયકલો લઇ તેમણે આ સાહસિક કદમ ભર્યું છે.
શ્રી દાંત્રેલિયા કહે છે કે, સરકારી કર્મયોગીઓમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને કસરતને પોતાના જીવનનું દૈનિક કાર્ય બનાવે તે ઉપરાંત લોકોમાં માર્ગ સલામતી વિશે સમજ આવે એવા હેતુંથી આ અભિયાન આદર્યું છે. ઓવર સ્પીડિંગ, હેલ્મેટ ના પહેરવા, સીટ બેલ્ટ ના બાંધવો જેવી કુટેવો સામે માર્ગમાં જાગૃતિ ફેલાવતો જઇશે.
આજે સવારે દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર તેમજ એઆરટીઓ શ્રી વી. કે. પરમારે તેમને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અધિકારીઓએ શ્રી દાંત્રેલિયાના અભિયાન અને સાહસિક પ્રવૃત્તિની સરાહના કરી હતી.