દિકરાઓને પાર્લે-જી ખવડાવો નહીં તો… અફવા ફેલાતા કરિયાણાની દુકાનોમાં બિસ્કિટ ખૂટી પડ્યા
ઘરમાં જેટલા પણ દિકરા છે તેમને પાર્લે-જી બિસ્કિટ ખવડાવો નહીં તો તેમની સાથે કોઈ ર્દુઘટના થઈ શકે છે.
સીતામઢી, ભારતમાં અફવાઓ ઘણી ઝડપથી ફેલાઈ જાય છે. જેમકે ગણપતિ દૂધ પીવે છે, દેશમાં મીઠાની અછત સર્જાવાની છે…વગેરે. જોકે આવી અફવાઓને સાચી માનનારા લોકો પણ ઘણાં હોય છે.
હવે આવી જ એક અફવા બિહારના અમુક જિલ્લાઓમાં ફેલાઈ છે અને તેની શરૂઆત સીતામઢી જિલ્લાથી થઈ હતી. સીતામઢીથી એવી અફવા ફેલાઈ હતી કે ઘરમાં જેટલા પણ દિકરા છે તેમને પાર્લે-જી બિસ્કિટ ખવડાવો નહીં તો તેમની સાથે કોઈ ર્દુઘટના થઈ શકે છે. સીતામઢીમાં પાર્લે-જી બિસ્કિટને જિતિયા પર્વ સાથે જોડીને અફવા ફેલાવામાં આવી છે.
નોંધનીય છે કે, બિહારમાં સીતામઢીમાં દિકરાઓના દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સુખમય જીવન માટે વ્રત રાખે છે. આ પર્વ સાથે જોડાયેલી એવી અફવા ફેલાઈ કે ઘરમાં જેટલા પણ દિકરા છે તે બધાને પાર્લેજી બિસ્કિટ ખવડાવવા. જો એવું કરવામાં નહીં આવે તો બાળકો સાથે ર્દુઘટના થઈ શકે છે.
આ અફવા ફેલાતા સીતામઢી સહિત આજુ બાજુના 3-4 જિલ્લાની કરિયાણાની દુકાને પાર્લેજીના બિસ્કિટ ખૂટી પડ્યા હતા. દરેક દુકાને બિસ્કિટ લેવા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.
અફવાનો ડર એટલો વધારે હતો કે, પાર્લેજી બિસ્કિટ ખરીદવા દરેક કરિયાણાની દુકાને સખત ભીડ થઈ ગઈ હતી. મોટા ભાગની દુકાનોએ સ્ટોક પણ ખતમ થઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારે પણ લોકો આ અફવા પર વિશ્વાસ રાખે છે. સીતામઢી જિલ્લાના બૈરગનિયા, ઢેંગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિત ઘણાં શહરોમાં આ અફવા ફેલાઈ હતી.
અફવા ક્યાંથી અને કેવી રીતે ફેલાઈ તે હજી સુધી ખબર જ નથી પડી. પરંતુ આ અફવાના કારણે બિસ્કિટના વેચાણમાં અચાનક તેજી આવી ગઈ છે. ગુરુવારે મોડી રાત સુધી લોકો બિસ્કિટ ખરીદતા દેખાયા હતા. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, તેઓ બિસ્કિટ કેમ ખરીદી રહ્યા છે? તો તેમણે કહ્યું કે, તેમને ખબર પડી છે કે, તેમના બાળકો પાર્લેજી બિસ્કિટ નહીં ખાય તો તેમની સાથે ર્દુઘટના થઈ શકે છે.