દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાનું ૬૦ વર્ષે નિધન
નવી દિલ્હી: મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનું ૬૦ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમને કાર્ડિઆક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. આજેર્ન્ટિનાના સ્થાનિક મીડિયાએ આ સમાચાર આપ્યા હતાં. ફૂટબોલના મહાન ખેલાડીને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો. નોંધનીય છે કે બે અઠવાડિયા પહેલા જ તેમને મગજમાં ક્લોટના કારણે સર્જરી કરાવવી પડી હતી. મારાડોનાની ગણતરી સર્વકાલિન મહાન ફૂટબોલરમાં થાય છે.
તેમણે આજેર્ન્ટિનાને ૧૯૮૬નો વર્લ્ડકપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનું કરિયર પણ શાનદાર રહ્યું હતું. મારાડોનાએ બોકા જૂનિયર્સ, નેપોલી અને બાર્સેલોના ઉપરાંત અન્ય ક્લબ તરફથી પણ રમ્યાં છે. મારાડોનાને ઈંગ્લેડ વિરુદ્ધ ૧૯૮૬ની ટૂર્નામેન્ટમાં ‘હેન્ડ ઓફ ગોડ’ માટે પણ યાદ કરવામાં આવે છે. પોતાના ૬૦માં જન્મદિવસ પછી સર્વકાલિન મહાનતમ ફૂટબોલરમાં જેમની ગણતરી થાય છે
તેવા મારાડોનાને ડિપ્રેશનના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હૃદયની બીમારીના કારણે તેમને ૨૦૦૪માં પણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઉપરાંત ૨૦૧૯માં પણ તેમના ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના એક કર્મચારીએ તે સમયે એવું જણાવ્યુ હતું કે તેઓ એક અઠવાડિયાથી દુઃખી હતાં અને ભોજન પણ છોડી દીધું હતું.