દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી
‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના સંકલ્પથી ગુજરાતની વિકાસયાત્રા દશે દિશાએ ખિલવવા નૂતન વર્ષે સૌ સંકલ્પબદ્ધ બનીએ : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે આ ઉમંગ પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું છે કે, આ પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસ સાથોસાથ નવી તાજગી-નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે. એમાંય દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પ્રયાણ પર્વ છે. અંતરમનના તિમીર દૂર કરી સુખ-સમૃધ્ધિ-વિકાસના ઓજ-તેજ પ્રત્યેક ગુજરાતીના જીવનમાં
આ પર્વ પ્રગટાવે તેવી હ્વદયપૂર્વકની મંગલ કામના તેમણે સૌને પાઠવી છે.
ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની તેમના અને તેમના મંત્રીમંડળ તરફથી અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતીઓ માટે તો દિપાવલીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ પણ છે.
વિક્રમ સંવતના આ નૂતન વર્ષે ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસના અજવાળા દૈદીપ્યમાન બનાવવાનો સંકલ્પ જનસહયોગ, રાજકીય ઇચ્છાશકિત અને સાતત્યપૂર્ણ પ્રશાસનની ત્રિવેણીથી આપણે સૌ કરીયે અને ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ-વંચિત-છેવાડાના માનવી સહિત સમાજ સમસ્તના દશે દિશાના વિકાસ માટે સાથે મળી પ્રતિબધ્ધ બનીયે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે.
જન-જનમાં વિકાસના વિશ્વાસની દિપ શિખા પ્રગટાવીને મા ભારતીને વિશ્વગુરૂ બનાવવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ કરીયે એ જ આપણા સૌનો નૂતન વર્ષનો સહિયારો સંકલ્પ હોય તેમ જણાવતા મુખ્ય મંત્રીશ્રીએ સૌને દિવાળી અને નૂતન વર્ષની અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ભદ્ર સ્થિત ભદ્રકાળીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે મેયર બીજલ પટેલ અને અન્ય અગ્રણીઓ મુખ્યમંત્રી અને તેમના ધર્મપત્નિનું હાર પહેરાવી અભિવાદન કર્યુ હતું. મુખ્યમંત્રીએ પણ હાજર રહેલા તમામ મહાનુભાવોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.