દિયોદરની સરકારી હોસ્પિટલમાં દુર્લભ ગણાતી ગેસ્ટ્રોસાઈસીસ બીમારી ધરાવતા બાળકનો જન્મ
દિયોદર, બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ દુર્લભ બીમારી ધરાવતા બાળકને જન્મ આપતા બાળકનું વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આંતરડા, કીડની સહિતના અંગો નવજાત બાળકને જન્મથી જ શરીરની બહાર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યો હતો. જો કે, બાળકને વધુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું.
પ્રસુતિની પીડા ઉપડતા ગતરાત્રિએ એક ગર્ભવતી મહિલાને દિયોદર સરકારી હોસ્પિટલમાં લાવવામા આવી હતી. મહિલા બાળકને નોર્મલ રીતે જન્મ આપી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી સિઝેરિયનથી બાળકનો જન્મ થયો હતો.
જો કે, બાળકનો દેખાવ સામાન્ય બાળકથી અલગ જ હતો. આંતરડા, કીડની જેવા અંગો શરીરની અંદર હોવા જોઈએ તે નવજાત બાળકના શરીરની બહાર હતા. તબીબી ભાષામાં આ બીમારને ગેસ્ટ્રોસાઈસીસ કહેવામા આવે છે. આ બીમારીને દુર્લભ ગણવામા આવે છે.
દિયોદર સરકારી હોસ્પિટલમાં દુર્લભ બીમારી સાથે બાળકનો જન્મ થતા તેને પ્રાથમિક સારવાર આપવામા આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ ખસેડવાનો નિર્ણય કરાયો હતો. જો કે, નવજાત બાળક અમદાવાદ પહોંચે તે પહેલા જ મહેસાણા પાસે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. બાળકની માતાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.