દિયોદર નજીક કાર ઝાડ સાથે ટકરાતાં ભાઈ-બહેનનાં મોત

Files Photo
બનાસકાંઠા: બનાસકાંઠાના દિયોદર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ભાઈ-બહેનના ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે એક કાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના બની છે. જેમાં ડીસા ખાતે રહેતા સુધીર જયંતીભાઈ પૂજારા અને અમદાવાદ ખાતે રહેતી તેમની બહેન અનિતાબેન જેન્તીભાઈ પૂજારા હોવાનું સામે આવ્યું છે.
ભાભરથી ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા બંને ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચતા તેમના ઘટનાસ્થળે મોત થયા હતા.
અકસ્માતના કારણે આજુબાજુના લોકો અને પૂજારા સમાજના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ આવી પહોંચી હતી અને બંનેની લાશ ને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂજારા પરિવારમાં બંને ભાઈ બહેનના કરુણ મોત થતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે.