દિલધડક મેચમાં પંજાબે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું
નવી દિલ્હી: કેપ્ટન સંજૂ સેમસને ફટકારેલી વિસ્ફોટક સદી છતાં રાજસ્થાન રોયલ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે ચાર રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ સંજૂ સેમસનની લાજવાબ બેટિંગના કારણે અંતિમ બોલ સુધી રોમાંચક બની રહી હતી. પંજાબે રાજસ્થાન સામે ૨૨૨ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ખરાબ શરૂઆત બાદ સેમસને એક છેડો જાળવી રાખ્યો હતો અને ટીમને વિજયની નજીક લઈ ગયો હતો.
અંતિમ બોલ પર ટીમને જીત માટે પાંચ રનની જરૂર હતી પરંતુ સેમસન કેચ આઉટ થઈ જતા રાજસ્થાન ચાર માટે વિજયથી દૂર રહી ગયું હતું. સેમસને ૬૩ બોલમાં ૧૧૯ રન ફટકાર્યા હતા. પંજાબે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૨૧ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૧૭ રન નોંધાવ્યા હતા. પંજાબ માટે કેપ્ટન લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તે નવ રન માટે સદી ચૂકી ગયો હતો. તેણે ૫૦ બોલમાં ૯૧ રન નોંધાવ્યા હતા.
૨૨૨ રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બેન સ્ટોક્સને ઓપનિંગમાં મોકલ્યો હતો પરંતુ તેનાથી ટીમને કોઈ ફાયદો થયો ન હતો. બેન સ્ટોક્સ ત્રીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. સ્ટોક્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે મનન વોહરા ૮ બોલમાં ૧૨ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. રાજસ્થાને ૨૫ રનના સ્કોર પર પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા
ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. જાેકે, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન તેને જાેસ બટલર, શિવમ દૂબે અને રિયાન પરાગનો સહકાર મળ્યો હતો. પરંતુ સેમસને અંતિમ ઓવર સુધી એક છેડો જાળવી રાખ્યો હતો. જાેસ બટલરે ૧૩ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૨૫ રન ફટકાર્યા હતા જ્યારે શિવમ દૂબેએ ૧૫ બોલમાં ૨૩ રન નોંધાવ્યા હતા.
રિયાન પરાગે ત્રણ સિક્સર અને એક ચોગ્ગાની મદદથી ૧૧ બોલમાં ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. જાેકે, રાજસ્થાનની બેટિંગનું આકર્ષણ સંજૂ સેમસનની સદી રહી હતી. તેણે અંતિમ બોલ સુધી ટીમને વિજય અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમ ચાર રન માટે વિજયથી દૂર રહી હતી. સેમસને ૬૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૭ સિક્સર સાથે ૧૧૯ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. પંજાબ માટે અર્શદીપ સિંહે ત્રણ, મોહમ્મદ શમીએ બે તથા જ્યે રિચાર્ડસને એક વિકેટ ઝડપી હતી.