દિલના દીવાને બુઢાપામાં પવનની જરૂર નથી હવે.. તેલની જરૂર છે !
“રેશમી વાતોથી બુઢાપાના અવસાદને ઢાંકી શકાતો નથી. એકલતા બુઢાપાની સૌથી ભયાનક સમસ્યા છે !!” “શરીરનું તૂટવું એને બુઢાપો કહે છે !”
“માણસ વયોવૃધ્ધ હોય અને સમજવૃધ્ધ ન હોય એવું બને ! માણસ સમજવૃધ્ધ થઈ ગયો હોય અને છતાંય વયોવૃધ્ધ ન થયો હોય એવું પણ બને !!”
“એક અમેરિકન અંગ્રેજી અખબારમાં એક જાહેરખબર વાંચવામાં આવી હતી: કોલ ટી. એલ.સી ! (Call T.L.C) … આ એક સંસ્થા છે જેનું નામ છે ‘ટેન્ડર લવિંગ કેર’ આ માટે આ સંસ્થાનો સંપર્ક કરો !… આગળ જાહેર ખબર જણાવે છે: ‘હવે તમારે તમારા વૃધ્ધ સગા અથવા મિત્રને નર્સિંગ હોમ કે વૃધ્ધાશ્રમમાં મૂકવા નહીં પડે. તમે તમારાં માતા, પિતા કે અન્યને એમના જ ઘરમાં રાખી શકશો. અને અમારી સંસ્થા એમનું ધ્યાન રાખશે ! એમને કંપની આપશે, સહાનુભૂતિ આપશે, એમને સ્વાતંત્ર્ય, સગવડ અને શુશ્રુષા મળશે જેની એમને જરૂર છે ! અમારી આ સેવાઓ સાથે મેડિકલ સેવાઓ પણ સંકલિત છે.
અમારી સંસ્થા માટેની યોજનાઓની મફત પુસ્તકો માટે જણાવો ‘ટી.એલ.સી.’… આ જાહેરાત છે બુઢાપા માટેની !!! આપણાં દેશમાં બુઢ્ઢાઓ પ્રમાણમાં ઘણા ખુશ કિસ્મત છે અને સત્તાના ઘણા ક્ષેત્રોમાં બુઢ્ઢાઓએ હજી ખુરશીઓ, આસનો, મોભા, પ્રતિષ્ઠાનો છોડ્યાં નથી ! ભારત જેવા બુઢ્ઢાઓ જગતમાં ભાગ્યે જ જોવા મળશે !… પણ બુઢાપાની બીજી પણ એક દુનિયા છે- ગરીબીના બુઢાપાની. જેના પેટમાં રોટી નથી અને જેબમાં પૈસા નથી !
બુઢાપામાં માણસ પૈસા માટે અને રોટી માટે મોહતાજ હોય એ સૌથી દર્દનાક દ્રશ્ય છે ! એ બુઢાપો જે ભૂખરો, ધૂળિયો, રાખના રંગનો બુઢાપો જે હરધ્વારની ‘હર કી પેડી’ અને બનારસના ઘાટોનાં પગથિયાં પર જોયો છે ! એ બુઢાપો જે દર શુક્રવારે મસ્જિદોની બહાર યતીમોની સૂકી આંખોમાં ઘેરાયેલો હોય છે ! એ બુઢાપો જે રવિવારે મંદિર કે મસ્જીદ કે ચર્ચની બહાર ઉભો રહીને ધ્રુજતી આંગળીઓથી છૂટા સિક્કાઓ ગણતો હોય છે !… જવાની ક્યારે પૂરી થાય અને વૃધ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે ? માણસ વયોવૃધ્ધ હોય અને સમજવૃધ્ધ ન હોય એવું બને ! માણસ સમજવૃધ્ધ થઈ ગયો હોય અને છતાંય વયોવૃધ્ધ ન થયો હોય એવું પણ બને !
વૃધ્ધત્વ એક માનસિકતા છે. પચીસ વર્ષના વૃધ્ધો છે અને પચાસ વર્ષના જવાનો પણ છે ! મનને સાબૂત રાખવું પડે છે, અને એમાં જવાન રહયા કરવાની જીદ રાખવાની જરૂર નથી ! પાંત્રીસ વર્ષની એની મજા છે, પચાસની એની મજા છે, પાંસઠની એની મજા છે. અલબત્ત આવી રેશમી વાતોથી બુઢાપાના અવસાદને ઢાંકી શકાતો નથી. એકલતા બુઢાપાની સૌથી ભયાનક સમસ્યા છે ! દિલની જવાનીની વાત દોહરાવ્યા કરતા માણસ જેવો કરુણ માણસ દુનિયામાં હોતો નથી. લથડી ગયેલા પગોને ચાબુક મારવા જેવી વાત છે.
દિલ જવાન છે એવો આગ્રહ રાખનાર દરેક બુઢ્ઢાએ એક કહેવત યાદ રાખવીઃ ‘પવન અગ્નિને વધારે છે પણ દીવાને ઓલવી નાંખે છે ! દિલના દીવાને બુઢાપામાં પવનની જરૂર નથી, હવે તેલની જરૂર છે ! જવાની પૂરી થઈ છે એ સ્વીકારવા માટે આપણે તૈયાર જ નથી. આપણને અમુક ગંભીર બીમારી થઈ શકે એ માનવા તૈયાર નથી.
આપણું પોતાનું શરીર આપણા કબજામાંથી, આપણાં અંકુશમાંથી છૂટી રહયું છે. કુટુંબમાં બધાં જ આપણી વાતનો અનાદર કરે એ સહન કરી શકતા નથી. આપણું પોતાનું શરીર આપણા મનની સામે બગાવત કરે છે ! માથાના વાળથી પગના અંગૂઠા સુધીનાં અંગો હવે પહેલાંની જેમ કહયું કરતાં નથી. હારેલા જુગારીની જેમ આપણે છેલ્લી બાજી રમીએ છીએ !
ભગવાન માણસનું શરીર તોડી નાંખતા પહેલાં એને મનથી તોડી નાંખે છે. તૂટેલું મન હોય તો તૂટેલા શરીરનો સ્વીકાર સહ્ય બને છે ! શરીરનું તૂટવું એને બુઢાપો કહે છે. આ માટે એક સુંદર વાક્ય વપરાય છે જે મારા- તમારા જેવા એ યાદ રાખવું અને એ છે ઃ “ટુ ગો ઓલ્ડ ગ્રેસ ફૂલી !” ‘શાલીનતાથી, શાનથી, સૌમ્ય રીતે વૃધ્ધ થતા જવાનું !!! એક રીતે બુઢાપો માણસની શ્રેષ્ઠ ફિલીંગને બહાર લાવે છે.
ખીડકીઃ
પ્રત્યેકના જીવનમાં એક તત્વ હોય છે ઃ કિસ્મત ! જેને આપણે ડેસ્ટીની કે આયર્ની તરીકે પણ જાણીએ છીએ. બીજા વિશ્વયુધ્ધ વખતે મલાયામાં ભારતીય ફોજમાં બે સગા ભાઈઓ અફસરો હતા. જાપાનીઓ આવ્યા. હિંદીઓ લડતા રહયા.
એક ભાઈ પકડાઈ ગયો અને બીજા.. છટકી ગયો ! પકડાયેલો ભાઈ આખા યુધ્ધ દરમિયાન જાપાની યુધ્ધ કેદી રહયો, યુધ્ધની સમાપ્તિ પર તૂટેલો, બીમાર બન્દી પાછો આવ્યો. એની કારકિર્દી સમાપ્ત થઈ ચૂકી હતી. છટકી ગયેલો ભાઈ વીરતાની સીમાઓ પાર કરતો ગયો, અને સમય જતાં ભારતીય સ્થળ સેનાનો સરસેનાપતિ બન્યો હતો. એ છટકી ગયેલા વીરનું નામઃ જનરલ થિમેયા !… આ છે કિસ્મત ! ડેસ્ટીની.. કે આયર્ની !
સ્ફોટકઃ
જેના હાથમાં રાજદંડ છે એને માટે ‘માથાભારે તત્વો’ નામની કોઈ વસ્તુ નથી. અને ‘માથાભારે તત્વો’ થી જેને લો બ્લડપ્રેશર થઈ જતું હોય એને માટે ઉદ્ઘાટન મંત્રી થવું હિતાવહ છે, ગૃહ કે કાનૂન માટે એ શખ્સ નકામો છે !