દિલિપ કુમારના ભત્રીજાને દોઢ વર્ષથી કામ નથી મળતું
મુંબઈ: આમિર ખાનની ફિલ્મ મેલા અને દિલ ચાહતા હૈ સિવાય અનેક ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલા એક્ટર ઐયુબ ખાને કોરોનાને કારણે વેઠવી પડતી મુશ્કેલીઓ જણાવી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને કારણે પાછલા દોઢ વર્ષથી કામ નથી મળ્યું. ઉલ્લેખનીય છે કે ઐયુબ ખાન દિગ્ગજ એક્ટર બેગમ પારા અને નાસિર ખાનના દીકરા છે. તે દિલિપ કુમાર અને સાયરા બાનોના ભત્રીજા પણ છે. કોરોના વાયરસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. અનેક રાજ્યોની સ્થિતિ ઘણી ખરાબ છે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.
અત્યારે ત્યાં લૉકડાઉન હોવાને કારણે શૂટિંગ પણ બંધ છે. ગયા વર્ષે પણ મહિનાઓ સુધી કામ બંધ રહ્યુ હતું અને અનેક સીરિયલ્સ બંધ થઈ ગયા હતા. આને કારણે અનેક કલાકારો બેરોજગાર થઈ ગયા હતા. આ મુશ્કેલ સમયમાં ઐયુબ ખાનની સ્થિતિ પણ ખરાબ છે. એક ઈન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું કે, પાછલા દોઢ વર્ષમાં મેં એક રુપિયાની કમાણી નથી કરી. મારી બચતથી બધું ચાલી રહ્યું છે અને હવે થોડા જ પૈસા બચ્યા છે. જાે કોરોનાની સ્થિતિમાં સુધારો નહીં આવે તો મદદ માંગવા સિવાય કોઈ ઓપ્શન બાકી નહીં રહે.
ઐયુબ જણાવે છે કે કમાણી વગર તાણનો પણ અનુભવ થઈ રહ્યો છે. પરિસ્થિતિ સામાન્ય નથી, પરંતુ કંઈ કરી શકાય તેમ નથી. તમારી પાસે જે છે તેનાથી જ ગુજરાન ચલાવવું પડે છે. નોંધનીય છે કે ૫૨ વર્ષીય ઐયુબ ખાને અનેક ટીવી સીરિયલ્સ અને ફિલ્મોમાં કામ કર્યું છે. ઉતરન નામની સીરિયલમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પિતા ફિલ્મ ગંગા જમનામાં દેખાયા હતા જ્યારે તેમના માતા પોતાના સમયના ગ્લેમરસ અભિનેત્રી હતા.