દિલ્લીમાં કોરોના પર કેન્દ્રનું અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ
નવીદિલ્હી, કોરોના વાયરસના કારણે દિલ્લીના લોકોમાં ભયનો માહોલ છે. તમને જણાવી દઈએ કે રાજધાનીમાં સંક્રમિતોનો આંકડો ૯૦ હજારની નજીક પહોંચી ગયો છે. દિલ્લીમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી મીડિયા સાથે વાત કરી. સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેબસાઈટ મુજબ દિલ્લીમાં ૩૦ જૂન સુધી કોરોનાના ૧ લાખ કેસ અને લગભગ ૬૦,૦૦૦ સક્રિય કેસ હોવાનુ અનુમાન હતુ. દિલ્લીમાં આજે(૧ જુલાઈ) કોરોના વાયરસના માત્ર ૨૬,૦૦૦ સક્રિય કેસ છે.
કેજરીવાલે આગળ જણાવ્યુ કે અત્યારે દિલ્લીની હોસ્પિટલોમાં કોરોના વાયરસના ૫૮૦૦ દર્દી છે. એક સપ્તાહ પહેલા ૬૨૫૦ દર્દી હતા. દિલ્લીમાં દર્દીઓની સંખ્યા વધવાના બદલે ઘટી રહી છે. અત્યાર સુધી દિલ્લીમાં કોરોનાના કુલ ૮૭૦૦૦ કેસ આવ્યા છે જેમાં ૫૮૦૦૦ દર્દી રિકવર થઈ ગયા છે. સીએમ કેજરીવાલે આગળ કહ્યુ કે ૨૩ જૂને દિલ્લીમાં કોરોના વાયરસના લગભગ ૪૦૦૦ કેસ આવ્યા હતા, કાલે લગભગ ૨૨૦૦ કેસ સામે આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના રોજ આવતા કેસ અડધા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી કુલ ૮૭૩૬૦ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે ૨૭૪૨ લોકોના મોત થયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે રાજધાનીમાં કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણમાંથી રિકવર થવાનો દર ૨૯ જૂને ૬૬.૦૩ ટકા સુધી પહોંચી ગયો, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૮.૬૭ ટકાથી વધુ છે. અધિકૃત આંકડાઓથી મળેલી માહિતી મુજબ દિલ્લીમાં જૂનમાં સંક્રમણ વધ્યુ છે. આ દરમિયાન રાજ્યમાં ૬૪ હજારથી વધુ કેસ સામે આવ્યા જ્યારે ૪૭,૩૫૭ લોકો રિકવર થયા બાદ રજા મળી ગઈ અથવા તે દિલ્લીમાંથી જતા રહ્યા. રાહતના સમાચાર એ છે કે દિલ્લીમાં કોરોના વાયરસ રિકવર થવાનો દર ધીમે ધીમે વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ૧૯ જૂને દિલ્લીમાં રોગીઓના રિકવર થવાનો દર ૪૪.૩૭ ટકા હતો.