દિલ્હીએ પોતાના પુત્ર પર જ વિશ્વાસ કર્યો છે : કેજરીવાલ
નવીદિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ અરવિંદ કેજરીવાલે શાનદાર જીત બદલ તમામનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ જીત દરેક પરિવારની છે. કેજરીવાલે કહ્યું હતું કે, આજે મંગળવારનો દિવસ છે અને હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર તેમની કૃપા વરસાવી દીધી છે. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીએ તેમના પુત્ર પર વિશ્વાસ કર્યો છે.
એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે. પાર્ટી ઓફિસમાં કાર્યકરોની સામે આવેલા અરવિંદ કેજરીવાલે આવતાની સાથે જ ભારત માતા કી જય અને ઇંકલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા. વંદેમાતરમ્ના નારા પણ લગાવ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીના લોકોએ ચમત્કાર સર્જ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે, એક નવી રાજનીતિ શરૂ થઇ છે અને આ રાજનીતિ કામની રાજનીતિ છે.
તેમણે કહ્યું હતું કે, આ એવા દરેક પરિવારની જીત છે જે લોકોને ફ્રી વિજળી, બાળકોને સારુ શિક્ષણ મળે છે. મોહલ્લા ક્લિનિકને પ્રોત્સાહન મળે છે. દિલ્હીની હોસ્પિટલમાં સારી સુવિધા મળી રહી છે. દિલ્હીની સાથે સાથે સમગ્ર દેશની પણ જીત છે. દિલ્હીના લોકોએ એવો સંદેશ આપી દીધો છે કે, મત એજ લોકોને મળશે જે મોહલ્લા ક્લિનિક બનાવશે. મત એજ લોકોને મળશે જે સસ્તી વિજળી અને ઘેર ઘેર સુધી પાણી પહોંચાડશે. મોહલ્લામાં રસ્તાઓ બનાવશે. ખુબ સારા અને શુભ સંકેત મળી રહ્યા છે. કેજરીવાલે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે, જીત એ લોકોની થશે જે લોકો મનની વાત નહીં પરંતુ જનની વાત કરી રહ્યા છે.