દિલ્હીથી બિહાર વચ્ચે ૮.૫ તીવ્રતાનો ભૂકંપો આવી શકે
કાનપુર: આઈઆઈટી કાનપુરના એક નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે, દિલ્હીથી બિહારની વચ્ચે વિનાશક ભૂકંપ આવી શકે છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૭.૫થી ૮.૫ની વચ્ચે રહી શકે છે. સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર જાવેદ એમ મલિકે કહ્યું છે કે, આ દાવા માટેનો આધાર એ છે કે, છેલ્લા ૫૦૦ વર્ષમાં ગંગાના મેદાની ભાગોમાં કોઇ મોટો ભૂકંપનો આંચકો આવ્યો નથી. રામનગરમાં ચાલી રહેલી ખોદકામગીરીમાં ૧૫૦૫ અને ૧૮૦૩માં ભૂકંપના અવશેષ મળ્યા છે.
પ્રોફેસર જાવેદે કહ્યું છે કે, ૧૮૮૫થી ૨૦૧૫ની વચ્ચે દેશમાં સાત મોટા ભૂકંપ આવ્યા છે જેની તીવ્રતા ૭.૫થી ૮.૫ વચ્ચે હતી. ૨૦૦૧માં ગુજરાતના ભુજમાં આવેલા ભૂકંપે આશરે ૩૦૦ કિલોમીટર દૂર અમદાવાદમાં પણ મોટાપાયે નુકસાન કર્યું હતું. શહેરી આયોજકો, બિલ્ડરો અને સામાન્ય લોકોને જાગૃત કરવા માટે કેન્દ્ર સરકારના આદેશ ઉપર ડિજિટલ એક્ટિવ ફોલ્ટ મેપની તૈયારી ચાલી રહી છે. આમા સક્રિય ફોલ્ટ લાઈનની ઓળખ ઉપરાંત જુના ભૂકંપના રેકોર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. લોકોને આ અંગેની માહિતી મળશે કે ભૂકંપની ફોલ્ટ લાઈનની તેઓ કેટલા નજીક છે.
નવા નિર્માણમાં કેટલી સાવધાની રાખવાની જરૂર છે. ઉત્તરાખંડના રામનગરમાં જમીનના ઉંડા ખાડા ખોદીને સપાટીમાં અભ્યાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિંકકાર્બેટ નેશનલ પાર્કથી પાંચથી છ કિમીની રેંજમાં અભ્યાસની કામગીરી થઇ ચુકી છે. ૧૫૦૫ અને ૧૮૦૩માં આવેલા ભૂકંપના પ્રમાણ પણ મળી આવ્યા છે. રામનગર જે ફોલ્ટ લાઈન પર સ્થિત છે તેને કાલાડુંગી ફોલ્ટ લાઈન નામ આપવામાં આવ્યું છે. પ્રોફેસર જાવેદના કહેવા મુજબ ૧૮૦૩માં ઓછી તીવ્રતાનો આંચકો આવ્યો હતો. સેટેલાઇટથી મળેલા ફોટાઓથી એવું જાણવા મળી રહ્યું છે કે, રામનગરમાં ડબકા નદીએ ત્રણથી ચાર વખત પોતાના ટ્રેક બદલ્યા છે.