Western Times News

Gujarati News

દિલ્હીના નરેલામાં ચોથી જેલ બનશે, ૧.૬ લાખ સ્કવેર મીટર જમીન ફાળવાઈ

નવી દિલ્હી, દિલ્હીના નરેલા ખાતે હવે ચોથી જેલ બનવા જઈ રહી છે. ડીડીએ દ્વારા આ માટે જેલ વિભાગને ૧.૬ લાખ સ્ક્વેર મીટર જમીન સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ખાતેની તિહાડ, રોહિણી અને મંડોલી જેલમાં કેદીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે નરેલા ખાતે ચોથી જેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક મહિનાઓથી જેલ માટેની જમીનનો મામલો દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પેન્ડિંગ હતો. હવે આ જમીન જેલ વિભાગને સોંપી દેવામાં આવી છે. જેલ વિભાગ હવે ઝડપથી જેલ બનાવવાનું કામ શરૂ કરશે.
દિલ્હીની ઉપરોક્ત ૩ જેલોમાં ૧૦,૦૦૦ કેદી રાખવાની ક્ષમતા છે. તેમ છતાં આ જેલોમાં ૧૯,૬૯૧ કેદી બંધ છે. આમ, ક્ષમતા કરતા ૯૦૦૦થી વધુ કેદીઓ આ જેલોમાં રાખવામાં આવ્યા છે.

જેલ વિભાગે ડીડીએને ૧ કરોડ ૨૮ લાખ રૂપિયા ચુકવીને જમીન મેળવી છે. તિહાડ જેલમાં ૫,૨૦૦ કેદીઓ રાખવાની ક્ષમતા છે પરંતુ તેમાં ૧૩,૦૦૦થી પણ વધારે કેદીઓ બંધ છે. રોહિણી જેલમાં ૧,૦૫૦ કેદીઓ રાખવાની ક્ષમતા છે અને તેમાં ૨,૦૦૦થી વધારે કેદીઓ બંધ છે.

આવી જ રીતે ૩,૭૭૬ કેદીઓ રાખવાની ક્ષમતા ધરાવતી મંડોલી જેલમાં ૪,૩૪૧ કેદીઓ બંધ છે. દિલ્હીની ત્રણેય જેલોમાં ક્ષમતા કરતા આશરે બમણાથી વધુ કેદીઓ બંધ છે.
આમ, ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી તેમની સુરક્ષાનું પણ જાેખમ રહેતું હોય છે. ઉપરોકત તમામ કારણોથી દિલ્હીમાં નવી જેલ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.