Western Times News

Gujarati News

દિલ્હીના પરિણામોને લઇ કોંગ્રેસમાં આંતરિક મતભેદ

પ્રતિકાત્મક તસવીર

નવીદિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી વખત એક પણ બેઠક ન જીતવા છતાં કોંગ્રેસમાં અંદરો-અંદર ઘમાસણ મચી ગયું છે. પાર્ટીના ૬૩ ઉમેદવારોની આ ચૂંટીઓમાં જમાનત જપ્ત તઇ ગઇ. આમ કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસણ મચી ગયું છે. પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી.ચિદમ્બરમે અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા તો દિલ્હી મહિલા કોંગ્રેસ વડા શર્મિષ્ઠા મુખર્જીએ ઝાટકી કાઢી ગંભીર પ્રશ્નો પૂછયા છે.

બીજીબાજુ દિલ્હી ચૂંટણી પ્રભારી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પીસી ચાકોએ કહ્યું કે આપના ઉદય બાદ કોંગ્રેસ કયારેય પોતાની વોટ બેન્ક પાછી લાવી શકયું નથી. દિલ્હી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ આમ આદમી પાર્ટીની જીત પર કોંગ્રેસની ખુશી પર કટાક્ષ કર્યો છે. પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમના ટ્‌વીટને રી- ટ્‌વીટ કરતાં શર્મિષ્ઠાએ પૂછયું કે શું કોંગ્રેસે પોતાની દુકાન બંધ કરી દેવી જોઇએ? આમ આદમી પાર્ટીને જીતના ચિદમ્બરમ તરફથી અભિનંદન પાઠવવાળા ટ્‌વીટને પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી રી-ટ્‌વીટ કરતાં શર્મિષ્ઠાએ કહ્યું કે, ‘સર, ઉચિત સમ્માનની સાથે બસ એટલું જ જાણવા માંગીશ કે શું કોંગ્રેસ પાર્ટી રાજ્યોમાં ભાજપને હરાવા માટે ક્ષેત્રીય દળોને આઉટસોર્સ કરી રહી છે?

જો નથી તો પછી આપણે આપણી હાર પર મંથન કરવાની જગ્યાએ આપની જીત પર ગર્વ કેમ કરી રહ્યા છીએ? અને જો આમ છે તો આપણે (પ્રદેશ કોંગ્રેસ કમિટી) સંભવતઃ પોતાની દુકાન બંધ કરી દેવી જોઇએ’. દિલ્હીમાં કોંગ્રેસનું ખાતું ના ખૂલવા પર ટ્‌વીટ કરતાં શર્મિષ્ઠાએ કહ્યું કે આપણે દિલ્હીમાં ફરી હારી ગયા. આત્મમંથન ખૂબ થયું હવે કાર્યવાહીનો સમય છે. ટોચના સ્તર પર નિર્ણય લેવામાં મોડું, રાજ્ય સ્તર પર રણનીતિ અને એકજૂથતાનો અભાવ, કાર્યકર્તાઓ નિરૂત્સાહ, નીચલા સ્તરથી સંવાદ ના થવો હારનું કારણ છે.

હું મારા હિસ્સાની જવાબદારી સ્વીકારું છું. જો દિલ્હી વિભાજનકારી રાજનીતિ કરી રહ્યું છે, કેજરીવાલ સ્માર્ટ પોલિટિક્સ કરી રહ્યા છે તો આપણે શું કરી રહ્યા છીએ? શું આપણે ઇમાનદારીથી કહી શકીએ છીએ કે આપણે ઘરને સંભાળવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો? આપણે કોંગ્રેસને જ કેપ્ચર કરવામાં લાગ્યા હતા જ્યારે બાકી પક્ષ ભારતને કેપ્ચર કરી રહ્યું હતું. શર્મિષ્ઠા દિલ્હી મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.