Western Times News

Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ફરી કેજરીવાલની તાજપોશી

નવીદિલ્હી: છેલ્લા દશકની શરૂઆતમાં ભ્રષ્ટાચારની સામે આંદોલનથી નાયક બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઐતિહાસિક રામલીલા મેદાન પર આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિમાં એલજી અનિલ બેજલે કેજરીવાલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે અન્ય છ મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ લઇને કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. શિલા દિક્ષિતની અવધિ ૧૫ વર્ષ સુધી ચાલી હતી.


૨૦૧૨માં આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવ્યા બાદ કેજરીવાલ રાજનીતિમાં ઉતર્યા હતા. કેજરીવાલે હજુ સુધી પાંચ વર્ષ ૪૯ દિવસ સુધી શાસન કર્યું છે. ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ શપથ લીધા હતા. પ્રથમ વખત તેમની સરકાર કોંગ્રેસના સહકારથી ૪૯ દિવસ ચાલી હતી. બીજી વખત ચૂંટણીમાં કેજરીવાલે ૬૭ સીટો જીતીને વાપસી કરી હતી. આ વખતે ૬૨ સીટો જીતીને સપાટો બોલાવ્યો છે. કેજરીવાલે પોતાના કેબિનેટમાં કોઇ ફેરફાર કર્યા નથી.

કેજરીવાલની સાથે મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, રાજેન્દ્ર પાલ અને ઇમરાન હુસૈને શપથ લીધા હતા. જા કે, મંત્રાલયની ફાળવણી હજુ કરવામાં આવી નથી. શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ શપથવિધિમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના સાતેય સાંસદો, ભાજપના આઠ ચૂંટાયેલા ધારાસભ્યો અને તમામ નગરનિગમના કોર્પોરેટરોને આમંત્રણ આપ્યા હતા પરંતુ માત્ર વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.