દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા

નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને બુધવારે મળ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ આ બન્ને નેતાઓ વચ્ચેની પ્રથમ મુલાકાત રહી છે. આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ કેજરીવાલ તેમજ અમિત શાહ વચ્ચે ગૃહ મંત્રીના નિવાસસ્થાને 20 મિનિટ બેઠક ચાલી હતી.
કેજરીવાલે ત્યારબાદ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘માનનીય ગૃહ મંત્રી અમિત શાહજી સાથે મુલાકાત કરી. તેમની સાથેની બેઠક ફળદાયી રહી છે. દિલ્હી સંલગ્ન વિવિધ મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરવામાં આવી. દિલ્હીના વિકાસ માટે અમે સંયુક્ત રીતે કામ કરવા સહમત થયા છે.’ દિલ્હીમાં 70 વિધાનસભા ચૂંટણીના પરિણામમાં આપને 62 બેઠકો મળી હતી જ્યારે ભાજપને આઠ બેઠકો મળી હતી. કોંગ્રેસ આ વખતે પણ એક પણ બેઠક જીતી શક્યું નહતું.