દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ પાસે ગોળીબાર ૨ના મોત,બેને ઇજા
નવીદિલ્હી: દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ નજીક એક ગીચ વિસ્તારમાં બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે મુસાફરોને ગોળી વાગી હતી અને બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં વધુ બે લોકો ઘાયલ થયા છે. ગુરુવારે રાત્રે ૯ઃ ૨૧ થી ૯ઃ ૪૫ ની વચ્ચે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું છે કે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગોળી ચલાવનારા હુમલાખોરોની ઓળખ હજુ થઈ નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ઓછામાં ઓછા ૨૦-૨૫ રાઉન્ડ ફાયર કર્યા છે. આ ઘટના પર હાજર લોકોનું કહેવું છે કે હુમલાખોરો એક જૂથમાં આવ્યા હતા અને તેમની પાસે ઘણા હથિયારો હતા. ટીવી રિપોર્ટ અનુસાર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ૪ થી ૫ લોકો એક યોજના હેઠળ વ્યક્તિ પર હુમલો કરવા આવ્યા હતા. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.
દિલ્હી પોલીસના ડીસીપી (ઉત્તર) એન્ટો અલ્ફોંસે જણાવ્યું છે કે આ ફાયરિંગ બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ બાદ થઈ છે. બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ બાદ બે વાર ફાયરિંગ પણ થઇ ચુક્યું છે. આ ઘટનામાં બે પસાર થતા લોકોનું મોત નીપજ્યું છે, મૃતકોમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.