દિલ્હીની સરકારી સ્કૂલોમાં જશે મેલાનિયા-ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસ પર આવી રહ્યાં છે, ત્યારે ભારત સરકાર તેમના સ્વાગતમાં કોઈ કસર છોડવા નથી માંગતી. આ દરમિયાન ટ્રમ્પની પત્ની મેલાનિયા દિલ્હીની સરકારી સ્કૂલોમાં જઈને બાળકો સાથે મુલાકાત કરશે. મેલાનિયા ટ્રમ્પને 25 ફેબ્રુઆરીએ “હૈપીનેસ ક્લાસ” દ્વારા બાળકો સાથે મુલાકાત કરાવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મેલાનિયા સાઉથ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં બાળકો સાથે એક કલાકનો સમય વીતાવશે. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પણ તેમની સાથે જ હાજર રહેશે.
આ પ્રથમ વખત હશે, જ્યારે અમેરિકાની ફર્સ્ટ લેડી દિલ્હીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને મળશે. અગાઉ 2010માં ઓબામા ભારતના પ્રવાસ પર આવ્યા હતા, ત્યારે તેમની પત્ની મિશેલ ઓબામાએ મુંબઈમાં બાળકો સાથે મુલાકાત કરી હતી. બાળકો સાથે ડાન્સ કરતા મિશેલ ઓબામાના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા.
મિેલાનિયા ટ્રમ્પના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેજરીવાલની સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલ “મૉડલ સ્કૂલ”માં મેલાનિયાને લઈ જવામાં આવશે. કેજરીવાલ સરકારએ સરકારી સ્કૂલોમાં 2018માં હેપીનેસ ક્લાસની શરૂઆત કરી હતી. જેના થકી બાળકોના માનસિક તનાવ દૂર કરવામાં આવે છે.