દિલ્હીની સિંધુ બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતો સામે એપેડમિક એકટ હેઠળ પોલીસ ફરિયાદ
નવી દિલ્હી, સરકાર નવા કૃષિ કાયદા પાછા ના ખેંચે ત્યાં સુધી ખેડૂતો દિલ્હીની બોર્ડર પરથી હટવા માટે તૈયાર નથી.તેવામાં હવે સરકારે ખેડૂતો સામે કાયદાનુ હથિયાર ઉગામવાનુ શરુ કર્યુ છે.
ખેડૂતોનુ આંદોલન 16મા દિવસમાં પ્રવેશ્યુ છે ત્યારે દિલ્હીની સિંધુ બોર્ડરો પર જમાવડો કરનારા ખેડૂતો સામે એપેડેમિક એકટ એટલે કે રોગચાળાના કાયદા હેઠળ પોલીસલ કેસ કર્યો છે.
એવુ મનાઈ રહ્યુ છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે અહીંયા તૈનાત બે આઈપીએસ અધિકારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે.દરમિયાન બંને અધિકારીઓને હોમ ક્વોરેન્ટિન થવાનો આદેશ અપાયો છે.
આ બોર્ડર પર પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતોનો જમાવડો છે.ખેડૂતો સામે કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં કરવાનો આરોપ લગાવાયો છે અને તેમની સામે આ બદલ ફરિયાદ કરાઈ છે.જોકે હજી સુધી ખેડૂતોની ધરપકડ કરવાનુ પગલુ પોલીસે ભર્યુ નથી અને નથી ખેડૂતોને આ બોર્ડર પરથી હટવાની સરકારે ફરજ પાડ઼ી.
ખેડૂતો જ્યાં સુધી સરકાર કાયદો પાછો ના ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના મૂડમાં છે.