Western Times News

Gujarati News

દિલ્હીની હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી માટે જાહેરાત છતાં રિસ્પોન્સ મળતો નથી

આરએમએલ હોસ્પિટલમાં ૧૮૩ ડોક્ટરો અને ૨૪૬ નર્સોને રોટેશનથી કોવિડ-૧૯ની ડ્યુટી પર લગાવાયા છે
નવી દિલ્હી,  દિલ્હીના રહેવાસી રઘુવીર સિંહે ગત મહિને એ સમયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યારે તેમણે પોતાની ૧૫ વર્ષની પુત્રીને માથામાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ બાદ રામ મનોહર લોહિયા હોસ્પિટલ(આરએમએલ)માં દાખલ કરવાની કોશિશ કરી. રઘુવીર સિંહે જણાવ્યું કે કિશોરીનો ત્રણ સપ્તાહ પહેલાં ૬ જૂને કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ કેટલીક દવાઓ લખ્યા બાદ ત્રણ લોકોના પરિવારને હોમ ક્વોરેન્ટાઈનમાં જવા કહ્યું હતું. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે હિંદૂ રાવ હોસ્પિટલ અને જીટીબી હોસ્પિટલના ચક્કર લગાવ્યા બાદ આરએમએલ પહોંચ્યા હતા. અમને ત્યાં(જીટીબી)થી આરએમએલ રેફર કરવામાં આવ્યા હતા. આરએમએલમાં આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરનાર રઘુવીરસિંહ એકલા નથી. હોસ્પિટલના પ્રવક્તાના કહેવા અનુસાર આ સરકારી હોસ્પિટલ દેશમાં પહેલી એવી સંસથા હતી, જેણે વિદેશથી પરત આવનાર લોકોની સ્ક્રીનિંગ શરુ કરી અને માર્ચમાં રાજધાનીમાં કોવિડ-૧૯ની સારવાર કરવામાં અગ્રણી હતી.

ખુદ પોતાના કારણે આ હોસ્પિટલ સ્ટાફની અછતના કારણે સમસ્યાનો સામનો કરી રહી છે, કારણ કે કોવિડ અને બિન-કોવિડ બંને પ્રકારના દર્દીઓની સારવાર કરતા રહેવા ઈચ્છે છે. હોસ્પિટલના મેડિકલ ચીફ મીનાક્ષી ભારદ્વાજે જણાવ્યું છે કે આ હોસ્પિટલોની ડોક્ટરોની સખત જરુરિયાત છે. ડોક્ટરોની ભરતી કરવાની તમામ કોશિશ છતાં હમણાં સુધી હકારાત્મક પ્રતિક્રિયા મળી રહી નથી. તેમણે કહ્યું કે, અમારી પાસે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની ૭૨ જગ્યાઓ ખાલી છે અને જાહેરાત આપવા છતાં ફક્ત ૧૦ના ઈન્ટરવ્યુ જ લઈ શકાયા છે. કોરોના વાયરસનો ડર અને થાકના કારણે ડોક્ટરો અને નર્સોની અછત છે, જેના કારણે દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં ડોક્ટરોની ૧૦૮ અને નર્સોની ૩૨૮ જગ્યાઓ ખાલી છે.

આ હોસ્પિટલ ખૂબ મોટી છે, જેમાં ૯૫૩ ડોક્ટરો અને ૧૧૯૫ નર્સ છે, જે પૈકી ૧૮૩ ડોક્ટરો અને ૨૪૬ નર્સોને રોટેશનના આધારે કોવિડ-૧૯ની ડ્યુટી પર લગાવવામાં આવ્યા છે. ડોક્ટરો-નર્સોની જાહેરાત આપવામાં આવી પરંતુ યોગ્ય રિસ્પોન્સ નહીં મળવા સંદર્ભે મેડિકલ ચીફ ભારદ્વાજે કહ્યું કે કોવિડ-૧૯નો ચેપ લાગવાના ડરથી ડોક્ટરો કે નર્સો રસ દાખવતા નથી. હમણાં સુધી ૧૮૪ આરોગ્ય કર્મીઓ પોઝિટિવ આવ્યા છે અને ત્રણના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.