દિલ્હીને હરાવીને મુંબઈ પાંચમી વખત ચેમ્પિયન
દુબઈ: કેપ્ટન રોહિત શર્માની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ મંગળવારે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે પરાજય આપીને આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સનું આ પાંચમું આઈપીએલ ટાઈટલ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પોતાનું પ્રથમ ટાઈટલ જીતવા માટે ફાઈનલમાં ઉતર્યું હતું પરંતુ તેને નિરાશા હાથ લાગી હતી. દિલ્હી પ્રથમ વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચ્યું હતું
પરંતુ તે ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૫૬ રનનો સ્કોર નોંધવ્યો હતો. જેના જવાબમાં મુંબઈએ ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૭ રન નોંધવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ સામે ૧૫૭ રનનો લક્ષ્યાંક હતો પરંતુ કેપ્ટન રોહિત શર્માની ધમાકેદાર અડધી સદીએ આ લક્ષ્યાંકને આસાન બનાવી દીધો હતો. તેણે અને સાથી ઓપનર ક્વિન્ટન ડીકોકે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ જોડીએ ૪.૧ ઓવરમાં જ ૪૫ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી.
ડીકોક ૧૨ બોલમાં ૨૦ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. રોહિત શર્માએ ૫૧ બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૬૮ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ઈશાન કિશને ૧૯ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ ૩૩ રન નોંધાવ્યા હતા.
દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ બે તથા કાગિસો રબાડા અને માર્ક્સ સ્ટોઈનિસે એક-એક વિકેટ ઝડપી હતી. કેપ્ટન શ્રેયસ ઐય્યર તથા રિશભ પંતની આક્રમક અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૫૭ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આઈપીએલમાં પ્રથમ વખત ફાઈનલમાં પહોંચેલી દિલ્હીની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.
જોકે, તેના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો પરંતુ ઐય્યર અને પંતની જોડીએ બાજી સંભાળી લેતા દિલ્હીએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૫૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. જોકે, તેની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. માર્ક્સ સ્ટોઈનિસ પ્રથમ બોલ પર જ ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો.
જ્યારે અજિંક્ય રહાણે બે રન નોંધાવીને બોલ્ટના બોલ પર આઉટ થયો હતો. હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહેલા શિખર ધવને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. ધવન ૧૩ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૧૫ રન નોંધાવીને આઉટ થયો હતો.
તેને જયંત યાદવે બોલ્ડ કર્યો હતો. દિલ્હીએ ૨૨ રનમાં પોતાની ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ ઓર્ડરનો ધબડકો થયા બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યર અને વિકેટકીપર બેટ્સમેન રિશભ પંતે બાજી સંભાળી હતી. બંને ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. પરંતુ ફાઈનલમાં બંનેએ પોતાનું ફોર્મ મેળવી લીધું હતું. તેમણે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર મુંબઈના બોલર્સનો સામનો કર્યો હતો. બંનેએ અડધી સદી ફટકારી હતી. પંત અને ઐય્યરે ૯૬ રનની ભાગીદારી નોંધાવી હતી.
પંત ૩૮ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૬ રન નોંધાવીને આઉટ થયો હતો. શિમરોન હેતમાયર પણ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, ઐય્યરે છેક સુધી એક છેડો જાળવી રાખ્યો હતો અને ૫૦ બોલમાં અણનમ ૬૫ રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે ત્રણ, નાથન કોલ્ટર-નાઈલે બે તથા જયંત યાદવે એક વિકેટ ઝડપી હતી.