Western Times News

Gujarati News

દિલ્હીનો મૌલાના કમર ગની ૩ હત્યાકાંડમાં સંડોવાયેલો છે

અમદાવાદ, રાજ્યના બહુચર્ચિત કિશન ભરવાડ કેસમાં એટીએસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે જમાલપુરના મૌલાના અયુબ અને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીની પણ ધરપકડ કરી છે. ત્યારે કિશન ભરવાડ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર મૌલાના કમર ગની ઉસ્માની ત્રણ હત્યાકાંડમાં સંડાવાયેલો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેને લઈને હવે એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

કિશન ભરવાડ હત્યા સિવાય કયા કયા કેસમાં મૌલાના કમર ગની ઉસ્માનીનું ભેજુ હતુ, એ જાણવા માટે એટીએસએ કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ, શુક્રવારે ધંધુકામાં એટીએસની ટીમે હત્યાકાંડના આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખીને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

આ સમયે એફએસએલની ટીમ પણ સાથે હતી. હથિયાર લઈને ગયા પછી શબ્બીર અને ઈમ્તિયાઝે કેવી રીતે હત્યાને અંજામ આપ્યો અને એ પછી હથિયાર અને બાઈક ક્યાં છૂપાવ્યા એ તમામ વિગતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

ધંધુકાના કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટનો બદલો લેવા માટે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના પછી ગુજરાતની શાંતિ ડહોળાઈ હતી. આ કેસ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ અને એટીએસની ટીમે કિશન ભરવાડ હત્યા અને કાવતરૂ રચનારા તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસમાં ભલે કિશનને ગોળી શબ્બીર અને ઈમ્તિયાઝે મારી હોય. પણ આ આખા કાવતરા અને તેઓને ઉશ્કેરવા માટે અમદાવાદના મૌલાના અયુબ અને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીનો હાથ હતો. જેમની પોલીસે ધરપકડ રકી છે અને હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, જ્યારે પણ દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની અમદાવાદ આવતો તો ગુજરાતના ૨૦૦૨ના રમખાણોને યાદ કરાવીને યુવકોને ઉશ્કેરણી કરતો હતો. મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના અનેક યુવાનોના કાનમાં ઝેર રેડ્યુ હતુ. આ પ્રકરણની તપાસ કરી રહેલી એટીએસને ધ્યાનમાં આવ્યું છે કે, મૌલાના કમર ગની ઉસ્માની દેશના ત્રણ હત્યાકાંડમાં સંડાવાયેલો છે. જેથી અન્ય હત્યાકાંડની વિગતો પણ એટીએસ દ્વારા એકત્રિત કરવામાં આવશે.

ખેર, હાલ તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ આ કેસમાં કોઈ પણ જાતની કચાશ બાકી રાખવા માગતી નથી. કિશન ભરવાડે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એનો બદલો લેવા માટે તેની હત્યા કરવામા આવી હતી. જેના તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ભવિષ્યમાં આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.