દિલ્હીનો લાલ કિલ્લો અનિશ્ચિતકાળ માટે બંધ
નવી દિલ્હી : દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાને અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવ્યો છે. દિલ્હી સેન્ટ્રલના ડીએમે આજે આ બાબતે એક આદેશ જાહેર કર્યો છે. દિલ્હી આપદા પ્રાધિકરણ તરફથી જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે લાલ કિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં બર્ડ ફ્લૂના સંક્રમણને ધ્યાનમાં રાખતા પરિસરને જનતા અને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરની મંજૂરીથી લાલ કિલ્લાને લોકો અને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે.
આ પહેલા લાલ કિલ્લા વિસ્તારમાં 14 કાગડા અને 4 બતકોના મોત થયા હતા. સેમ્પલની તપાસ કરતા તેમાં બર્ડ ફ્લૂની પૃષ્ટિ થઈ હતી. આઠ સેમ્પલોમાં બર્ડ ફ્લૂના સ્ટ્રેન મળ્યા પછી એનિમલ હસબેંડરી ડિપાર્ટમેન્ટે દિલ્હીમાં બર્ડ ફ્લૂ થવાની પૃષ્ટિ કરી હતી.
આ પછી દિલ્હીના ઘણા બજારોની સાથે નાની દુકાનો પર પ્રોસેસ્ડ અને કાચા ચિકનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વેચાણ સાથે ચિકનના ભંડારણ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે આને લઈને આદેશ પણ જાહેર કરી દીધો હતો.