દિલ્હીમાં આવતી કાલે હૈદરાબાદ હાઉસમાં યોજાનારી મહત્વપૂર્ણ બઠક
(પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અમદાવાદમાં આજના કાર્યક્રમ બાદ તેઓ આગ્રા થઈ દિલ્હી જવાના છે અને ત્યાં રાત્રિ રોકાણ કર્યાં બાદ આવતીકાલે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે આ બેઠકમાં ભાવિ રણનીતિ ઘડવા ઉપરાંત બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધો વધુ મજબુત બને તે માટેના પ્રયાસો કરવામાં આવનાર છે. આ ઉપરાંત આંતકવાદ સહિતના મુદ્દે થનારી સઘન ચર્ચાના પગલે વિશ્વભરના દેશોની નજર આ બેઠક પર મંડાયેલી છે.
અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં રોડ શો ઉપરાંત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં તેઓ હાજરી આપ્યા બાદ બપોરે ચાર વાગ્યે અમદાવાદથી સીધા જ આગ્રા જવાના છે. આગ્રામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજી તેમનું ભવ્ય સ્વાગત કરવાના છે. તાજમહલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સીધા જ દિલ્હી જવાના છે અને દિલ્હીમાં રાત્રિ રોકાણ કર્યાં બાદ આવતીકાલે સવારે તેમનો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આવતીકાલે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે આ બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવાય તેવી સંપૂર્ણ શક્યતા છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબુત બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. અમેરિકામાં તાજેતરમાં જ યોજાનારી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત ચૂંટાય તેવી શક્યતાથી આવતીકાલની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાની છે અને તેના સારા પરિણામો પણ ભારતને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીથી આ તમામ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.
હૈદરાબાદ હાઉસ ખાતે આવતીકાલે બંને મહાનુભાવોની યોજાનારી મીટીંગ ઉપરાંત દિલ્હીમાં બંને દેશોના પ્રતિનિધિ મંડળો તથા ઉદ્યોગપતિઓ વચ્ચે પણ મીટીંગો યોજાવાની છે જેમાં કેટલાક ઔદ્યોગિક કરારો થાય તેવી શકયતા જાવામાં આવી રહી છે. જાકે ભારતની મુલાકાતે આવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતનો ઈન્કાર કર્યો હતો પરંતુ ધીમે ધીમે તેમાં બદલાવ આવી રહયો છે તેથી આવતીકાલની મીટીંગ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાની છે. આવતીકાલે સાંજે જ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીથી સીધા જ અમેરિકા જવા રવાના થવાના છે.